ખેરગામ: ખેરગામથી પીપલખેડ હાઈસ્કૂલ રૂટ પર જાહેર પરિવહન વ્યવસ્થા ખોરવાતાં ૨૫૦થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બસ સેવા નિયમિત ન હોવાથી અને છેલ્લા બે દિવસથી સંપૂર્ણ બંધ રહેતાં વિદ્યાર્થીઓને 1.5 કિલોમીટર સુધી પગપાળા ચાલવાની ફરજ પડી રહી છે. વાલીઓની વ્યાપક ફરિયાદોને પગલે ડો. નિરવ ભૂલાભાઈ પટેલ અને તુષાર પાવાગઢીએ સ્થળ તપાસ કરી કલેક્ટર સમક્ષ તાત્કાલિક વિશેષ GSRTC બસ શરૂ કરવાની માંગ કરી છે.
Decision News ને મળેલી માહિતી મુજબ સમયસર બસ ન મળવાને કારણે વિદ્યાર્થીઓ શાળાએ મોડા પહોંચે છે અને નિયમિતતા ખોરવાય છે. સવાર-સાંજ અજાણ્યા રસ્તે આવન-જાવન કરતી વખતે સલામતીનો પ્રશ્ન ઊભો થાય છે. પાસ કઢાવ્યા હોવા છતાં સેવા ન મળતાં ગરીબ અને આદિવાસી વાલીઓ પર ખાનગી વાહનોનો વધારાનો આર્થિક બોજ પડે છે. વરસાદી સિઝનમાં કાદવ-કીચડમાંથી ચાલવાથી નાના બાળકો હેરાન થાય છે અને પસાર થતાં વાહનોને કારણે યુનિફોર્મ બગડે છે. માંડવખડક, ગોડથલ, મિયાંઝરી, ઢોલુમ્બર, પાણીખડક, આછવણી અને ખેરગામના ગ્રામજનો તથા વિદ્યાર્થીઓ સીધા અસરગ્રસ્ત થયા છે.
તંત્ર દ્વારા “ઓછા મુસાફરો” કે “બસની અછત” જેવા બહાના બતાવવાને બદલે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શૈક્ષણિક જરૂરિયાતોને ધ્યાને રાખીને આ રૂટ પર સવાર અને શાળા છૂટવાના સમયે તાત્કાલિક બસ સેવા પુનઃ શરૂ કરવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે.











