ધરમપુર: ધરમપુર તાલુકાના રાજપુરી જંગલ ગામમાં સરકારી ગ્રાન્ટમાંથી બની રહેલી આંગણવાડીના બાંધકામમાં ભારે ગેરરીતિ અને હલકી ગુણવત્તાની સામગ્રી વાપરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. આ મુદ્દે યુથલીડર ડો. નિરવ ભુલાભાઇ પટેલે વલસાડ જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરીને સમગ્ર મામલાની સ્વતંત્ર અને પારદર્શક તપાસ કરવાની માંગ કરી છે.
બાંધકામ અને સામગ્રી સામે ઊઠેલા મુખ્ય સવાલો પાયાના કામ બાદ સ્થળ તપાસ કરતા માલૂમ પડ્યું કે સળિયા યોગ્ય રીતે બાંધવામાં આવ્યા નથી અને તે હાથથી હલાવી શકાય તેવી નબળી સ્થિતિમાં છે. બાંધકામમાં નિમ્ન ગુણવત્તાની રેતી, સિમેન્ટ અને અન્ય કાચો માલ વાપરવામાં આવી રહ્યો હોવાની સ્થાનિક ગ્રામજનોની ફરિયાદ છે. આંગણવાડી એ આદિવાસી વિસ્તારના ભૂલકાંઓના શિક્ષણ, પોષણ અને રક્ષણ માટેનું કેન્દ્ર છે, તેથી આવા બાંધકામમાં બેદરકારી બાળકોના જીવ સામે જોખમ ઊભું કરી શકે છે.
કલેક્ટર સમક્ષ કરાયેલી મુખ્ય માંગણીઓ જિલ્લા બહારના કે સ્વતંત્ર સરકારી એન્જિનિયરોની ટીમ દ્વારા સ્થળ પર ‘Structural/Technical Quality Audit’ કરાવવું. સિમેન્ટ, સ્ટીલ, રેતી અને કપચીના નમૂના લઈ તાત્કાલિક લેબ ટેસ્ટ કરાવવા તેમજ મંજૂર થયેલા નકશા અને સ્પેસિફિકેશન મુજબ ચકાસણી કરવી. વર્ક ઓર્ડર, મેઝરમેન્ટ બુક (MB), ટેકનિકલ મંજૂરી અને નાણાકીય બિલોની ઝીણવટભરી ચકાસણી કરવી. જો ગેરરીતિ સાબિત થાય તો કોન્ટ્રાક્ટર તેમજ સુપરવિઝન કરનાર અધિકારીઓ સામે કાયદેસરના પગલાં ભરવા, નાણાં વસૂલવા અને જરૂર પડે ખામીયુક્ત સ્ટ્રક્ચર તોડીને નવેસરથી ગુણવત્તાયુક્ત કામ કરાવવું.
સ્થાનિક ગ્રામજનો અને જાગૃત નાગરિકોની માંગ છે કે આ સમગ્ર મામલે સમયબદ્ધ અને પારદર્શક તપાસ કરી તમામ અહેવાલ જાહેર કરવામાં આવે જેથી પ્રજાના કરવેરાના નાણાંનો દુરુપયોગ અટકે.











