વલસાડ: ગતરોજ વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા દરમિયાન ઉપપ્રમુખ અને શાસક પક્ષ ભાજપના મહિલા સભ્ય વચ્ચે સર્જાયેલા ભારે નાટક અને ઉગ્ર વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે. ભાજપના મોવડીમંડળની સમયસૂચકતા અને મધ્યસ્થતા બાદ ગરમાયેલું રાજકારણ થાળે પડ્યું છે.
શું હતો કિસ્સો: ગત 10 ઓગષ્ટના રોજ પાલિકાની સામાન્ય સભા દરમિયાન મોગરાવાડીના ભાજપના મહિલા સભ્ય જ્યોત્સનાબેન રાઠોડ મણીનગર વિસ્તારના રસ્તાના પ્રશ્ને રજૂઆત કરી રહ્યા હતા. આ દરમિયાન સામેની પંગતમાં બેઠેલા નગરપાલિકાના ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા અને જ્યોત્સનાબેન વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. આ બોલાચાલી દરમિયાન ઉપપ્રમુખે મહિલા સભ્યને ‘તું બેસી જા’ કહી દેતાં મામલો બિચક્યો હતો. “તમે કોણ મને બેસી જવા કહેવાવાળા?” તેમ કહી મહિલા સભ્યએ વિરોધ નોંધાવ્યો હતો અને આ શબ્દપ્રયોગને પોતાનું અપમાન ગણાવીને તેઓ ભૂખ હડતાળ પર ઉતરી ગયા હતા. ચીફ ઓફિસર કે પાલિકાના સત્તાધીશો દ્વારા ત્રણ દિવસ સુધી આ મામલે કોઈ નક્કર પગલાં ન લેવાતાં વિવાદ વધુ ઘેરો બન્યો હતો. શાસક પક્ષ ભાજપ માટે આ પરિસ્થિતિ ભારે ધર્મસંકટ સમાન બની ગઈ હતી અને સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બની હતી.
મામલાની ગંભીરતા જોઈને મંગળવારે સાંજે ભાજપનું મોવડીમંડળ હરકતમાં આવ્યું હતું. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ હેમંત કંસારા અને મહામંત્રી નિખિલ ચોકસી તાત્કાલિક પાલિકા કચેરી પહોંચ્યા હતા. તેમણે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મહિલા સભ્ય જ્યોત્સનાબેન સાથે વિસ્તૃત પરામર્શ કર્યો હતો. ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ “ભવિષ્યમાં કોઈ પણ સ્ત્રીનું આ રીતે અપમાન નહીં થાય” તેની સંપૂર્ણ જવાબદારી લેતાં મામલો શાંત પડ્યો હતો.
જ્યોત્સનાબેન રાઠોડ જણાવ્યું કે અમે પાર્ટી શિસ્તને વરેલા સભ્યો છીએ ધારાસભ્ય ભરતભાઈ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંભાઈ કંસારાએ આવીને ભવિષ્યમાં કોઈ પણ સ્ત્રીનું અપમાન નહ થાય તેવી બાંહેધરી આપી જવાબદારી લીધી છે તેથી અમે પાર્ટીના વરેલા કાર્યકર તરીકે હવે અમારા ઉપવાસ પૂર્ણ કરીએ છીએ.
આ મુદ્દે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. નિરવ પટેલ જણાવે છે કે, આદિવાસી સમાજને એકઠું થતા જોઈ આદિવાસી મહિલા કોર્પોરેટર સામે વલસાડ ભાજપ ઝૂક્યું છે. જો આદિવાસી સમાજ એક થઇ જાય તો આદિવાસી લોકો સાથે કે આગેવાનો સાથે થતા શોષણ કે અન્યાય થવાના કિસ્સા મટી શકે છે જે અમારો પ્રયાસ છે.











