ઉમરપાડા: હાલમાં જ ઉમરપાડા તાલુકાના નાના એવા શામપુરા ગામની હોનહાર દીકરી વસાવા કિર્તીકુમારી ભાવસિંગભાઈએ NEET-UG ની મેડિકલ પ્રવેશ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી સમગ્ર આદિવાસી સમાજ અને ઉમરપાડા વિસ્તારનું નામ રોશન કર્યું છે.
NEET-UG ના જાહેર થયેલા પરિણામોમાં કિર્તીકુમારીએ પોતાની અથાક મહેનતના બળે ST કેટેગરીમાં સમગ્ર દેશમાં 0165મો ક્રમાંક (All India ST Rank) મેળવીને ઝળહળતી સફળતા હાંસલ કરી છે. તેમની આ સિદ્ધિથી ભવિષ્યમાં ડૉક્ટર બનવાનું તેમનું અને તેમના પરિવારનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. કિર્તીકુમારીના પિતા ભાવસિંગભાઈ મોતીભાઈ વસાવા વ્યવસાયે ખેતીકામ સાથે સંકળાયેલા છે. સામાન્ય આર્થિક પરિસ્થિતિ અને ગ્રામીણ પૃષ્ઠભૂમિ હોવા છતાં, પરિવારના સતત સાથ-સહકાર અને કિર્તીકુમારીની રાત-દિવસની સખત મહેનતના પરિણામે આજે આ ઐતિહાસિક સફળતા મળી છે.
કિર્તીકુમારીની આ સિદ્ધિના સમાચાર મળતા જ શામપુરા ગામ સહિત સમગ્ર ઉમરપાડા તાલુકામાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે. પરિવારજનો, શિક્ષકો, સ્નેહીઓ તથા ગ્રામજનો દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે.











