બારડોલી: આજરોજ બારડોલીની પ્રતિષ્ઠિત શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી (બારડોલી સુગર) ની ચૂંટણીમાં અતુલભાઈ પટેલની આગેવાની હેઠળની કિસાન પરિવર્તન પેનલ એ શાનદાર અને ભવ્ય વિજય મેળવ્યો છે. આ ચૂંટણી પરિણામોએ સહકારી ક્ષેત્રની રાજનીતિમાં મોટા પરિવર્તનના એંધાણ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત 16 ઓગસ્ટ 2026ના રોજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયેલા મતદાન દરમિયાન કુલ 43.82 ટકા મતદાન નોંધાયું હતું. 18 ઓગસ્ટે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કિસાન પરિવર્તન પેનલે જોરદાર દબદબો બનાવીને સત્તાધારી પક્ષને કારમી હાર આપી છે. વર્તમાન પ્રમુખ ભાવેશભાઈ પટેલ તથા પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ઈશ્વર પરમારની આગેવાનીવાળી સહકાર પેનલના અનેક દિગ્ગજ ઉમેદવારોને પરાજયનો સામનો કરવો પડ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ખેડૂતોના હિતોનું રક્ષણ, સુગર ફેક્ટરીના વહીવટમાં પારદર્શિતા લાવવી, અને સંસ્થાના સર્વાંગી વિકાસ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
પરિણામો જાહેર થયા બાદ કિસાન પરિવર્તન પેનલના વિજયથી સમર્થકો અને ખેડૂતોમાં ભારે ઉત્સાહ તથા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બારડોલી સુગરના આ પરિણામો બાદ હવે સહકારી ક્ષેત્રમાં નવી નેતાગીરી અને નવી દિશાને લઈને ચર્ચાઓનો દોર શરૂ થયો છે.











