વલસાડ: વલસાડમાં તાજેતરમાં આવેલા ભયાનક પૂર દરમિયાન અસરગ્રસ્તોની વહારે આવીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર વલસાડ ભાજપના કાર્યકર્તા અને સેવાભાવી યુવક ભાસીન દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું છે.

પૂરની કપરી પરિસ્થિતિમાં સતત 13 દિવસ સુધી અસરગ્રસ્તોને એકધારું ભોજન પૂરું પાડીને રાહત સેવાઓ પૂરી પાડવા બદલ તેમનું નાનાપોંઢા ખાતે આયોજિત જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નાનાપોંઢા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીના વરદ હસ્તે ભાસીન દેસાઈને તેમની નિઃસ્વાર્થ સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા.

બિપીન રાઉત કહે છે કે, ભાસીન દેસાઈ માત્ર પૂર જેવી આપત્તિમાં જ નહીં, પરંતુ અગાઉ કોરોના કાળ દરમિયાન પણ આવી જ રીતે સમાજ ઉપયોગી કાર્યો કરી ચૂક્યા છે. કોરોનાના મહામારીના સમયમાં તેમણે વલસાડ શહેર ઉપરાંત કપરાડા અને નાનાપોંઢા તાલુકાના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચીને લોકોને ભોજન સહિતની જરૂરી રાહત સામગ્રી પહોંચાડી હતી. તેમની આ નિષ્ઠાપૂર્વકની સેવાકીય કામગીરીને સમગ્ર વલસાડ જિલ્લામાં બિરદાવવામાં આવી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here