ધરમપુર: સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના માહોલ વચ્ચે દેશની સુરક્ષા માટે જીવન સમર્પિત કરનારા વીર સૈનિકોની શૌર્યગાથા યાદ કરવી એ દરેક નાગરિક માટે ગૌરવની વાત છે. ધરમપુર તાલુકાના બિલપુડી ગામના નિવૃત્ત કેપ્ટન શંકરભાઈ ગવળી આવા જ એક ‘રીયલ હીરો’ છે, જેમણે ભારતીય સેનામાં સતત 33 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી દેશની સરહદોનું રક્ષણ કર્યું હતું.
નિવૃત્ત કેપ્ટન શંકરભાઈ ગવળીએ પોતાની સૈન્ય કારકિર્દી દરમિયાન શ્રીલંકા સહિત દેશ-વિદેશના અનેક વિષમ વિસ્તારોમાં ફરજ બજાવી હતી. 1999 ના કારગિલ યુદ્ધના દિવસોને યાદ કરતાં તેઓ જણાવે છે કે, યુદ્ધભૂમિ પર ચારેય તરફથી થઈ રહેલા ભારે ગોળીબાર વચ્ચે તેમણે સતત અઢી મહિના સુધી દેશની રક્ષા માટે પોતાની ફરજ બજાવી હતી.
સેનામાંથી નિવૃત્ત થયા પછી પણ શંકરભાઈએ રાષ્ટ્રસેવાનો માર્ગ છોડ્યો નથી. આરામભર્યું જીવન જીવવાને બદલે તેઓ આજે પણ યુવાનો વચ્ચે જઈને સતત સંવાદ કરે છે. તેઓ નવી પેઢીને શિસ્ત, સાહસ, જવાબદારી અને દેશપ્રેમનું મહત્વ સમજાવી રહ્યા છે. તેમનું માનવું છે કે યુવાનો દેશનું ભવિષ્ય છે અને તેમના ચારિત્ર્ય ઘડતરમાં સકારાત્મક ભૂમિકા ભજવવી એ પણ એક પ્રકારની રાષ્ટ્રસેવા જ છે.
33 વર્ષની સૈન્ય સેવા, શ્રીલંકાની ભૌગોલિક પડકારજનક ફરજ અને કારગિલ યુદ્ધનો સાહસિક અનુભવ—આ બધું જ આજની નવી પેઢી માટે માર્ગદર્શક બન્યું છે. સ્વાતંત્ર્ય પર્વના આ પવિત્ર અવસરે દેશની સરહદો પર તૈનાત જવાનોની સાથે બિલપુડીના આ રત્ન સમાન નિવૃત્ત સૈનિક કેપ્ટન શંકરભાઈ ગવળીની અવિરત રાષ્ટ્રસેવાને સલામ..











