ધરમપુર: ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ગ્રંથાલય ખાતા તથા ગુજરાતી સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ધરમપુર ખાતે આવેલ સરકારી તાલુકા પુસ્તકાલયમાં ‘યુવા સંવાદ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોના સપનાઓ અને વિચારોને યોગ્ય દિશા આપી તેમને ભવિષ્ય માટે પ્રેરિત કરવાનો હતો.

કાર્યક્રમમાં વક્તા તરીકે ઉપસ્થિત રહેલા ડો. હેમંત પટેલ દ્વારા યુવા-યુવતીઓ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે યુવાનોના સપનાઓ, તેમના વિચારો, શિક્ષણનું મહત્વ અને ભવિષ્યમાં ઉપલબ્ધ વિવિધ તકો અંગે ખૂબ જ પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે ધરમપુર સરકારી તાલુકા પુસ્તકાલયની સ્વચ્છતા અને શ્રેષ્ઠ વ્યવસ્થાની પણ વિશેષ નોંધ લેવામાં આવી હતી. ગ્રંથપાલક પૂનમબેન જોશી અને તેમની ટીમ દ્વારા પુસ્તકાલયને સ્વચ્છ અને સુંદર રાખવાની સાથે વિદ્યાર્થીઓમાં વાંચન સંસ્કૃતિ અને પુસ્તકો પ્રત્યે પ્રેમ વિકસે તે માટે કરવામાં આવતા સતત પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન ધરમપુરના યુવાનોમાં શિસ્ત, સંસ્કાર અને જવાબદારીની ભાવના જોવા મળી હતી. યુવાનોની ઉત્સાહભરી ભાગીદારીથી એ વિશ્વાસ વધુ મજબૂત બન્યો હતો કે આજની આ યુવા શક્તિ જ આગામી સમયમાં સમાજ અને દેશને વધુ સશક્ત તથા વિકસિત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here