ધરમપુર: ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશનના વિરોધમાં ધરમપુર બાર એસોસિયેશન દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ નોટિફિકેશન સમગ્ર ગુજરાતના વકીલો તેમજ અસીલોના હિતમાં ન હોવાનો આરોપ લગાવીને ધરમપુર બાર એસોસિયેશને એક તાકીદની મીટિંગ યોજીને વિરોધ દર્શાવતો સર્વાનુમતે ઠરાવ પસાર કર્યો છે.

આ અંગે ધરમપુર બાર એસોસિયેશનના પ્રમુખ અને સેક્રેટરીશ્રી દ્વારા ધરમપુરના ત્રીજા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રી તેમજ પ્રિન્સિપાલ સિવિલ જજ સાહેબશ્રીને લેખિતમાં રજૂઆત કરી ઠરાવની નકલ સુપ્રત કરવામાં આવી છે. ઠરાવમાં જણાવ્યા મુજબ, હાઈકોર્ટના આ નિર્ણયના વિરોધમાં આવતીકાલે તા. ૦૫-૦૮-૨૦૨૬ ના રોજ ધરમપુર કોર્ટમાં પ્રેક્ટિસ કરતા તમામ વકીલો કોર્ટના માત્ર અતિ-અરજન્ટ કામકાજ સિવાયના તમામ કામકાજથી અળગા રહીને પોતાનો આક્રોશ પ્રદર્શિત કરશે.

બાર એસોસિયેશને વધુમાં સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો નામદાર હાઈકોર્ટ દ્વારા આ નોટિફિકેશન સત્વરે પરત લેવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આગળની રણનીતિ ઘડીને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન તેજ કરવામાં આવશે. સાથે જ જરૂર પડ્યે અચોક્કસ મુદત સુધી કોર્ટના કામકાજનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનો સર્વાનુમતે આકરો નિર્ણય લેવાયો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here