ગ્લાસગો: ગ્લાસગો ખાતે યોજાઈ રહેલી વૈશ્વિક રમતગમતનો મહાકુંભ ગણાતી કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની હાજરી માત્ર એક ઔપચારિક મુલાકાત નથી, પરંતુ તે ગુજરાતના રમતગમત ક્ષેત્ર માટે એક મોટો પ્રોત્સાહક સંદેશ બની રહી છે. રમતગમતના આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતના પ્રતિનિધિની હાજરી એ વાતની પ્રતીક છે કે રાજ્ય હવે માત્ર ઉદ્યોગ અને વિકાસ ક્ષેત્રે જ નહીં, પરંતુ રમતગમતમાં પણ નવી ઊંચાઈઓ સર કરવા સજ્જ છે.
રમતગમત ક્ષેત્રે ગુજરાતનું પ્રતિનિધિત્વ વિશ્વ કક્ષાએ પહોંચતાં રાજ્યના યુવા અને ઉભરતા ખેલાડીઓમાં નવો આત્મવિશ્વાસ અને જોશ જોવા મળી રહ્યો છે. આ ઐતિહાસિક હાજરીથી આવનારા સમયમાં ગુજરાતમાં વધુ શ્રેષ્ઠ અને વિશ્વસ્તરીય રમતગમતની સુવિધાઓ ઊભી થાય તે માટેના નવા દ્વાર ખુલશે.
આ પ્રોત્સાહનથી ભવિષ્યની કોમનવેલ્થ, એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવી મોટી સ્પર્ધાઓમાં ગુજરાતના વધુને વધુ ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને દેશનો તિરંગો લહેરાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્રસંગે રાજ્યના દરેક ખેલાડીને એક જ સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો હતો કે ‘સપના મોટા રાખો આખું ગુજરાત તમારી સાથે છે.’











