માંડવી: સુરત જિલ્લાના માંડવી તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા ગોડધા ડેમને તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે મોટું નુકસાન પહોંચ્યું છે. ડેમની મુખ્ય રચના ક્ષતિગ્રસ્ત થતાં સંગ્રહિત પાણીનો મોટો જથ્થો વહી ગયો હોવાના અહેવાલો છે. પરિણામે, ડેમમાં પાણીની સપાટી અગાઉની સરખામણીએ નોંધપાત્ર રીતે ઘટી જતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

ગોડધા ડેમ આસપાસના અનેક ગામોના ખેડૂતો માટે સિંચાઈ તેમજ પીવાના પાણીનો અત્યંત મહત્વનો આધાર છે. ડેમમાંથી પાણી વહી જવાના કારણે આગામી રવી અને ઉનાળુ પાક માટે પાણી ક્યાંથી ઉપલબ્ધ થશે, તે પ્રશ્ન ખેડૂતોને સતત મૂંઝવી રહ્યો છે. હાલમાં સિંચાઈ અને સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા ડેમને થયેલા નુકસાનનો ચોક્કસ અંદાજ મેળવવા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

તંત્ર દ્વારા ડેમની વર્તમાન સ્થિતિ અને સલામતી પર સતત નજર રાખવામાં આવી રહી છે. સદ્ભાગ્યે, આ નુકસાનમાં કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી.ખેડૂતો સરકાર અને વહીવટી તંત્ર પાસે ઉગ્ર માંગ કરી રહ્યા છે કે વહેલી તકે ડેમનું પુનઃનિર્માણ અને જરૂરી મરામત કાર્ય યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં સિંચાઈના પાણીની વિકટ સમસ્યાનો સામનો ન કરવો પડે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here