ધરમપુર: મિત્રતાના પવિત્ર પર્વ ‘ફ્રેન્ડશીપ ડે’ નિમિત્તે કાંગવી ગામ ખાતે D-SELF (SAVE EMERGENCY LIFE FOUNDATION) દ્વારા માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક યોજાઈ ગયો. આ કેમ્પ દરમિયાન કુલ 26 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. D-SELF ગ્રુપના સભ્યોએ આ સેવા કાર્ય પોતાના સ્વર્ગસ્થ મિત્રો સ્વ. દિવ્યેશભાઈ સી. માહલા તથા સ્વ. વિરેન્દ્રભાઈ આઈ. ગાયકવાડની પવિત્ર સ્મૃતિમાં સમર્પિત કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન કાંગવી ગામના સરપંચશ્રી, આમંત્રિત મહેમાનો, ગામના આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યું હતું. રક્તદાન કરનાર દરેક દાતાને પ્રોત્સાહનરૂપે પર્યાવરણ જતનનો સંદેશ આપતો કાજુનો છોડ તથા પાણીની બોટલ ભેટ તરીકે આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાનનું મહત્વ સમજાવી વધુમાં વધુ યુવાનોને આ પ્રકારના સામાજિક અને માનવસેવાના કાર્યોમાં જોડાવા માટે પ્રેરણા આપી હતી.
આ રક્તદાન યજ્ઞને સફળ બનાવવા માટે શ્રી મોહનભાઈ કાનજીભાઈ પટેલ, માજી સરપંચ શ્રી ગણપતભાઈ ચૌધરી તેમજ ભેરૂનાથ કરિયાણા સ્ટોર (કાંગવી) દ્વારા આર્થિક સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો. D-SELF ગ્રુપના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મિત્રતાના દિવસે રક્તદાન જેવા મહાદાન દ્વારા સ્વર્ગસ્થ મિત્રોની યાદ વાગોળીને ગ્રુપના યુવાનોએ સમાજ સમક્ષ એક નવી અને પ્રેરણાદાયી મિસાલ કાયમ કરી છે.











