ડાંગ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ડાંગ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે શ્રી મંગળભાઈ ગાવીતની સત્તાવાર નિમણૂંક કરવામાં આવી છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને ધારાસભ્ય શ્રી અમિત ચાવડા દ્વારા સત્તાવાર નિમણૂંક પત્ર જાહેર કરવામાં આવ્યો છે.
નિમણૂંક પત્રમાં પ્રદેશ પ્રમુખે વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, શ્રી મંગળભાઈ ગાવીત કોંગ્રેસ પક્ષની વિચારધારા અને સિદ્ધાંતોને અનુરૂપ રહીને ડાંગ જિલ્લાના જનહિતના પ્રશ્નોને જિલ્લા પંચાયતમાં અસરકારક રીતે રજૂ કરશે તેમજ પ્રજાના હિતમાં લોકોપયોગી કાર્યોને પ્રાથમિકતા આપશે.
શ્રી મંગળભાઈ ગાવીતની આ મહત્વપૂર્ણ પદ પર નિમણૂંક થતાં જ ડાંગ જિલ્લાના કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા તેમજ તાલુકા સ્તરના તમામ કોંગ્રેસ હોદ્દેદારોએ તેમને શુભેચ્છા પાઠવી સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી છે. પક્ષના આગેવાનોના જણાવ્યા મુજબ, આ નિર્ણયથી ડાંગ જિલ્લામાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બનશે અને જનસમસ્યાઓના ઉકેલ માટે પક્ષ વધુ આક્રમક તથા સક્રિય ભૂમિકા ભજવશે.











