ડેડીયાપાડા: હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમ શાળા, સામરપાડાના બાળકોએ પોતાની અદભુત રમતગમત પ્રતિભા, મહેનત અને ખંતના જોરે સ્પોર્ટ્સ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. SGFI 2026 શાળાકીય રમોત્સવ અંતર્ગત ડેડીયાપાડા ખાતે યોજાયેલી તાલુકા કક્ષાની રમતગમત સ્પર્ધામાં શાળાના બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમગ્ર વિસ્તારનું નામ રોશન કર્યું છે.

Decision News ને મળેલી જાણકારી મજબ આ રમોત્સવમાં અંડર-14 વય જૂથ (કુમાર) વિભાગની ખો-ખો સ્પર્ધામાં સામરપાડા આશ્રમ શાળાની ટીમે અદ્વિતીય રમતનું પ્રદર્શન કરીને સમગ્ર તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ‘ચેમ્પિયન’ની ટ્રોફી પોતાના નામે કરી છે. આશ્રમ શાળાના ઇતિહાસમાં ખો-ખોની રમતમાં તાલુકા કક્ષાએ પ્રથમ વાર ચેમ્પિયન બનવાની આ એક ઐતિહાસિક સિદ્ધિ છે.

ટીમની આ ભવ્ય સફળતાના સમાચાર મળતા જ આશ્રમ શાળા સામરપાડા સહિત સમગ્ર સ્થાનિક વિસ્તારમાં ખુશી અને ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. બાળકોની શિસ્ત, મહેનત અને ખેલદિલીની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ સંસ્થાના હોદ્દેદારો, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ, સ્પોર્ટ્સ કોચ તેમજ સ્થાનિક અગ્રણીઓએ તમામ વિજેતા ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ, આગામી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ આ જ રીતે શ્રેષ્ઠ દેખાવ કરીને શાળા અને તાલુકાનું નામ રોશન કરે તે માટે શુભકામનાઓ પાઠવી હતી.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here