બેંગલુરુ: કર્ણાટકના એક અત્યંત સામાન્ય આદિવાસી પરિવારમાં જન્મેલાં તુલસી ગૌડા આજે સમગ્ર દેશ માટે પ્રકૃતિ પ્રેમ અને પર્યાવરણ સંરક્ષણનું અદ્ભુત ઉદાહરણ બન્યાં છે. ક્યારેય શાળાનું ઔપચારિક શિક્ષણ ન મેળવ્યું હોવા છતાં, પ્રકૃતિના સાનિધ્યમાં રહીને તેમણે પોતાના અનુભવના આધારે હજારો વૃક્ષો અને ઔષધીય છોડની ઓળખ, તેમના ગુણધર્મો અને સંવર્ધનની એક અનોખી સમજ વિકસાવી છે.
Decision News ને મળેલી જાણકારી મુજબ પોતાનું આખું જીવન જંગલો અને પર્યાવરણને સમર્પિત કરનાર તુલસી ગૌડાએ અત્યાર સુધીમાં પોતાના જીવનકાળ દરમિયાન લાખો વૃક્ષોનું વાવેતર અને જતન કર્યું છે. પર્યાવરણ ક્ષેત્રે તેમના આ ભગીરથ કાર્યને કારણે જ લોકો તેમને પ્રેમથી “Forest Encyclopedia” (જંગલના જીવંત વિશ્વકોશ) તરીકે ઓળખે છે. તેમના આ નિઃસ્વાર્થ પ્રકૃતિ પ્રેમને બિરદાવતાં વર્ષ ૨૦૨૧માં ભારત સરકાર દ્વારા તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં પુરસ્કાર સ્વીકારવા પહોંચ્યા, ત્યારે તેમના સાદા પારંપરિક વેશ, નિખાલસ સ્મિત અને ખુલ્લા પગે સ્વીકારેલા એવોર્ડના દૃશ્યે સમગ્ર દેશનું દિલ જીતી લીધું હતું. આ દૃશ્યે સાબિત કરી દીધું કે સાચું સન્માન વ્યક્તિના વસ્ત્રો કે પહેરવેશનું નહીં, પરંતુ તેના કાર્યો અને સમર્પણનું થાય છે.
તુલસી ગૌડાનું જીવન સંદેશ આપે છે કે પ્રકૃતિની સેવા એ જ સૌથી મોટી માનવસેવા છે. એક વૃક્ષ વાવવું એટલે આવનારી પેઢીઓને સ્વચ્છ પર્યાવરણ અને જીવનની ભેટ આપવી. તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આપણી આસપાસ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેની સંપૂર્ણ જવાબદારીપૂર્વક સંભાળ રાખવી એ જ તેમને સાચી અંજલિ અને સન્માન આપ્યા બરાબર ગણાશે.
BY: સત્યમ પટેલ ( RTI એક્ટિવિસ્ટ )











