વાંસદા: ગતરોજ વાંસદામાં મોડી રાત્રે અચાનક તૂટી પડેલા ધોધમાર વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી, અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આવી વિકટ અને જોખમી પરિસ્થિતિ સર્જાતાં જ વાંસદા પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને પ્રશંસનીય રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી.
Decision News ને મળેલી જાણકારી મુજબ લોકોની સુરક્ષા સુનિશ્ચિત થાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાંસદા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી જે.વી. ચાવડાની આગેવાની હેઠળ પોલીસ ટીમ મોડી રાત્રે જ રેસ્ક્યૂ કામગીરી માટે નીકળી પડી હતી, મુસળધાર વરસાદ, અંધારી રાત અને રસ્તાઓ પર વહેતા પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે પણ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. નીચાણવાળા અને જોખમી વિસ્તારોમાં સામાન્ય લોકો માટે પહોંચવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું, ત્યાં પણ વાંસદા પોલીસની ટીમે પોતાના જીવનું જોખમ ખેડીને પહોંચી જરૂરી મદદ પૂરી પાડી હતી. પોલીસે સંભવિત જોખમી વિસ્તારોની મુલાકાત લઈને પૂરના પાણીમાં ફસાયેલા નાગરિકોને રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા હતા.
આ બચાવ કામગીરી દરમિયાન PI શ્રી જે.વી. ચાવડા પોતે સતત ગ્રાઉન્ડ પર હાજર રહ્યા હતા. તેમણે પરિસ્થિતિ પર નજર રાખીને પોતાની ટીમને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું અને સ્થળ પર જ તાત્કાલિક નિર્ણયો લઈને કામગીરીને વધુ અસરકારક બનાવી, વાંસદા પોલીસે જાનના જોખમે ફરજ બજાવીને ‘ખાખી’નું ગૌરવ વધાર્યું છે. વાંસદા પોલીસની આ કામગીરીની સમગ્ર પંથકમાં સ્થાનિક લોકો દ્વારા ભારે પ્રશંસા અને સરાહના થઈ રહી છે.











