નવસારી: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ), વર્ગ-3ની કુલ 100 જગ્યાઓની સીધી ભરતીમાં અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીની અનામત બેઠકોની યોગ્ય ફાળવણી નહીં કરવા બાબતે વિવાદ સામે આવ્યો છે.
સમસ્ત આદિવાસી સમાજ નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ પટેલ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભરતીની જાહેરાતમાં ભારતીય બંધારણની કલમ-૧૬(૪) અને ગુજરાત સરકારની અનામત નીતિ તેમજ રોસ્ટર સિસ્ટમનું સ્પષ્ટ ઉલ્લંઘન થયું છે. ડો. પટેલે કહ્યું કે, “નિયમ મુજબ ST કેટેગરી માટે ૧૫% અનામત બેઠકોની યોગ્ય ફાળવણી કરવામાં આવી નથી. જો રોસ્ટર પોઇન્ટની યોગ્ય ચકાસણી કરવામાં આવે તો આદિવાસી સમાજના લાયકાત ધરાવતા યુવાનોને તેમનો બંધારણીય હક મળી શકે છે.” આદિવાસી વિસ્તારોમાંથી આવતા સેંકડો બેરોજગાર યુવાનો આ ભરતીમાં વંચિત રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે.
આથી રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે: 1 ભરતીના રોસ્ટર રજિસ્ટરની પુનઃ ચકાસણી (Re-verify) કરવામાં આવે. 2 તાકીદે કોરિજેન્ડમ (સુધારો) કરીને ST અનામતની યોગ્ય ફાળવણી કરવામાં આવે. ડો. નિરવ પટેલે આશા વ્યક્ત કરી છે કે મુખ્યમંત્રીનું કાર્યાલય આ ગંભીર બાબતમાં અંગત રસ લઈ આરોગ્ય વિભાગ તથા GSSSBને ત્વરિત આદેશ આપશે જેથી આદિવાસી યુવાનોને ન્યાય મળી શકે. આ મામલે આરોગ્ય વિભાગ અને GSSSB તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. આદિવાસી સમાજના આગેવાનો આ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને બંધારણીય જોગવાઈઓનું પાલન થાય તેની માંગ કરી રહ્યા છે.











