સાગબારા: પુષ્પા ફિલ્મની સ્ટાઇલમાં ગુપ્ત ખાના બનાવી કિંમતી લાકડાંની તસ્કરી કરતા એક ગેંગને સાગબારા વન વિભાગે મોટી સફળતા મેળવી છે. વન વિભાગની ટીમે MH-03-CP-5997 નંબરની મહિન્દ્રા બોલેરો પિકઅપને ઝડપી પાડી, જેના પાછળના ભાગે ‘દમ હૈ તો રોક કે દિખા શેખાવત’ લખેલું હતું.
સાગબારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) પી. એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ખાનગી બાતમીના આધારે કાર્યવાહી કરતાં વન ટીમે વાહનની તપાસ કરી અને તપાસ દરમિયાન વાહનમાં પુષ્પા ફિલ્મની જેમ ખાસ ગુપ્ત ખાનામાં છુપાવીને સાગ, ખેર અને શામળા જેવા કિંમતી લાકડાં ભરેલાં મળ્યાં. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ લાકડાં મહારાષ્ટ્રના કાકડીઆંબા વિસ્તારમાંથી લાવીને પાટ વિસ્તાર તરફ લઈ જવામાં આવી રહ્યાં હતાં. વધુ પૂછપરછમાં વન વિભાગે આ તસ્કરીમાં સંડોવાયેલા બે પુષ્પાઓને ઝડપી પાડ્યા છે.
સાગબારા વન વિભાગે બંને આરોપીઓ વિરુદ્ધ વન કાયદા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. હાલ બંને આરોપીઓને રિમાન્ડ પર લઈ વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ તસ્કરીના નેટવર્કમાં સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસ ચાલુ છે.











