ધરમપુર: ગતરોજ આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધરમપુર તાલુકાના વિવિધ ગામોની શાળાઓમાં આદિવાસી બાળકોને સુવિધાજનક શિક્ષણ મળી રહે તે હેતુથી નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી જાણકારી મુજબ આ કાર્યક્રમ અંતર્ગત બામટીની મુખ્ય શાળા, નાની બામટી, રાનપાડા, ઘોઘરપાર્ટી અને આસપાસની વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી બાળકોને નોટબુકો વિતરિત કરવામાં આવી. આ પહેલથી બાળકોને શિક્ષણ માટે જરૂરી સામગ્રી ઉપલબ્ધ થતાં તેમના અભ્યાસમાં સહાયક સાબિત થશે. કાર્યક્રમમાં આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ પાનેરિયા, ઉપપ્રમુખ આશાબેન પટેલ, ટ્રસ્ટીઓ હસુમતીબેન પટેલ, અભેસિંહભાઈ પટેલ, સુનિલભાઈ પટેલ, પ્રવિણભાઈ પટેલ અને ગામના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ પાનેરિયાએ જણાવ્યું કે આદિવાસી વિસ્તારના બાળકોના શિક્ષણને પ્રોત્સાહન આપવું એ ટ્રસ્ટનો મુખ્ય ઉદ્દેશ છે. નોટબુક વિતરણ એવી નાની પરંતુ મહત્વપૂર્ણ પહેલ છે જે બાળકોને અભ્યાસ તરફ પ્રોત્સાહિત કરશે. ટ્રસ્ટ ભવિષ્યમાં પણ આવી વિવિધ સામાજિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ રાખશે. ગામના આગેવાનો અને શાળા પ્રાધ્યાપકોએ ટ્રસ્ટના આ પ્રયાસની પ્રશંસા કરી અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ માટે ટ્રસ્ટને અભિનંદન પાઠવ્યા.
આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા આદિવાસી બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.











