આહવા: ડાંગ જિલ્લા પોલીસે પર્યાવરણ સંરક્ષણ અને વનવૃદ્ધિની દિશામાં નમૂનારૂપ પહેલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘એક પેડ મા કે નામ 3.0’ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ આહવા પોલીસ હેડક્વાર્ટર ખાતે જાપાનીઝ ‘મિયાવાકી પદ્ધતિ’થી 700 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ વૃક્ષારોપણ અભિયાન પડતર અને બંજર જમીન પર કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ પ્રકારનાં ઘટાદાર તેમજ ફળાઉ વૃક્ષોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ પરિસરમાં એક આકર્ષક માનવસર્જિત ધોધનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે, જે સમગ્ર વિસ્તારને વધુ હરિયાળો અને સુંદર બનાવશે. જિલ્લા પોલીસ વડા શ્રીમતી પૂજા યાદવે આ નવનિર્મિત વન વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે સ્થળનું નિરીક્ષણ કર્યું અને વૃક્ષોની યોગ્ય જાળવણી, સિંચાઈ અને સંભાળ રાખવા માટે પોલીસ કર્મચારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.

આ પહેલનું મહત્વ
મિયાવાકી પદ્ધતિમાં ઓછી જગ્યામાં ઝડપથી ઘટાદાર વન વિકસે છે, જે પર્યાવરણને સુધારવા, જૈવિક વિવિધતા વધારવા અને તાપમાન ઘટાડવામાં અત્યંત અસરકારક સાબિત થાય છે. ડાંગ પોલીસની આ પહેલ ‘હરિયાળા ગુજરાત’ના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે. આદિવાસી પ્રદેશ ડાંગમાં પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલી આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને પર્યાવરણપ્રેમી કામગીરીને વિવિધ વર્ગો તરફથી સરાહના મળી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here