દક્ષિણ ગુજરાત: ચોમાસાની ઋતુ શરૂ થતાં જ સમગ્ર દક્ષિણ ગુજરાત હરિયાળીની લીલી ચાદર ઓઢી લે છે. ડાંગ, સાપુતારા, વાંસદા, ધરમપુર, કપરાડા અને તાપી જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં વહેતા ધોધો, ગાઢ જંગલો, વાંકાચૂકા રસ્તાઓ અને કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષે છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ આ સ્થળોએ કુદરતની ગોદમાં સમય પસાર કરવા, ધોધોમાં નાહવા, ટ્રેકિંગ કરવા અને પરિવાર સાથે આનંદ માણવા માટે આવે છે.

પ્રકૃતિ આપણને નિઃસ્વાર્થપણે સૌંદર્ય, શુદ્ધ હવા, પાણી અને જીવન આપે છે. બદલામાં આપણે તેનું જતન કરવું એ આપણી ફરજ છે. દુઃખની વાત એ છે કે કેટલાક લોકો ફરવા જાય ત્યારે પ્લાસ્ટિકની બોટલો, ચિપ્સના પેકેટ, પાણીના પાઉચ, થર્મોકોલની પ્લેટો અને અન્ય કચરો ત્યાં જ ફેંકી દે છે. પરિણામે કુદરતી સ્થળોની સુંદરતા બગડે છે અને પર્યાવરણને નુકસાન થાય છે.

ડાંગના જંગલો હોય કે સાપુતારાની ખીણો, વાંસદાના હરિયાળા વિસ્તાર હોય કે કપરાડા અને ધરમપુરના ધોધો દરેક સ્થળ આપણું સામૂહિક વારસો છે. તેથી પ્રવાસીઓએ જ્યાં જાય ત્યાં સ્વચ્છતા જાળવવી જોઈએ અને પોતાના દ્વારા ઉત્પન્ન થયેલો કચરો યોગ્ય સ્થળે જ નિકાલ કરવો જોઈએ.

ચોમાસા દરમિયાન ધોધો અને નદીઓમાં પાણીનો પ્રવાહ અચાનક વધી શકે છે. ઘણી વખત લોકો જોખમી સ્થળોએ સેલ્ફી લેવા જાય છે અથવા ઊંડા પાણીમાં ઉતરી જાય છે. આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી વહીવટી તંત્ર, વન વિભાગ, પોલીસ વિભાગ અને સ્થાનિક ગ્રામજનો દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે.

ટ્રેકિંગ દરમિયાન નિર્ધારિત માર્ગનો જ ઉપયોગ કરવો, જંગલોમાં આગ ન કરવી, નશીલા પદાર્થોનો ઉપયોગ ન કરવો અને વન્યજીવોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન પહોંચાડવી જોઈએ. જંગલો માત્ર વૃક્ષોનો સમૂહ નથી; તે હજારો જીવોનું ઘર છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની સંસ્કૃતિ, પરંપરા અને જીવનશૈલી પણ અનોખી છે. પ્રવાસીઓએ સ્થાનિક લોકોની લાગણીઓનું સન્માન કરવું જોઈએ. ગ્રામજનો દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાથી પ્રવાસ વધુ સુરક્ષિત અને આનંદદાયક બને છે.

ચાલો, આ ચોમાસે આપણે સૌ સંકલ્પ કરીએ કે:

* પ્રવાસન સ્થળોએ ગંદકી નહીં કરીએ.
* પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું.
* ધોધો અને જંગલોમાં સલામતીના નિયમોનું પાલન કરીશું.
* સ્થાનિક લોકો અને વહીવટી તંત્રની સૂચનાઓનું માન રાખીશું.
* દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરીશું.
* પ્રકૃતિને નુકસાન નહીં પહોંચાડીએ.

જો આપણે આજે પ્રકૃતિનું રક્ષણ કરીશું, તો આવનારી પેઢીઓ પણ ડાંગના જંગલો, સાપુતારાની ખીણો, વાંસદાની હરિયાળી, તાપીના ધોધો, કપરાડાના પર્વતો અને ધરમપુરના કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકશે.

BY: કિરણ પાડવી


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here