ચીખલી: સાદડવેલ ગામમાં કાવેરી સુગર માટે ફાળવેલ જમીન વર્ષોથી પડતર હાલતમાં રહેતા ગ્રામજનોએ કાવેરી સુગર ચાલુ કરવાની માંગ કરવામાં આવેલ હતી જેના પગલે ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરતા ખેડૂતોને શેરડીના પાકનું પોષણક્ષમ ભાવો મળશે એ આશાએ ખેડૂતોમાં આનંદ છવાય ગયો હતો. પરંતુ એ આશા ઠગારી નીવડતા કાવેરી સુગરના બદલે ઇન્ડિયન પોટાશ લિમિટેડ નામની ખાતર બનાવતી કંપનીને ફાળવી દેવામાં આવતા ખેડૂતો રીતસરના ઠગાયા હોવાનો અહેસાસ થતા સાદડવેલ અને આસપાસના પંથકના ખેડૂતોમાં આક્રોશનો માહોલ ફેલાયો હતો.

આ બાબતે સાદડવેલ ગામના આગેવાન વૈશાલીબેન પટેલ અને પંકજ પટેલ દ્વારા કંપનીના વિરોધમાં જનજાગૃતિ મુહિમ ચલાવી સાદડવેલ તાતી ફળીયાથી રાનકુવા સર્કલ સુધી જનઆક્રોશ રેલી કાઢી આ કંપનીને ગામમાં કોઈપણ હિસાબે ઘુસવા નહીં દેવામાં આવે એવો દ્રઢ નિર્ધાર કર્યો હતો જેમાં અનેક લોકો ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા.આ રેલીના સમર્થનમાં સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ અને ખેરગામની છાંયડો હોસ્પિટલના ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ ભુલાભાઇ પટેલ, રૂઢિ મહાગ્રામ સભાના અધ્યક્ષ રમેશભાઈ ખાંભડા, નિલેશ પટેલ, પ્રકૃતિ પૂજક ધર્મેશભાઈ, સૂંઠવાડ ડેપ્યુટી સરપંચ ધર્મેશભાઈ, મહાર સમાજ આગેવાન વિજય કટારકર, શૈલેષભાઇ,જગનભાઈ,રાનકુવા ઝોન કન્વીનર હિતેશભાઈ, એસી દિનેશભાઇ,ભુપેન્દ્રભાઈ ફડવેલ બિપિનભાઇ, મુકેશભાઈ, કાર્તિક સહિતના આગેવાનોએ આદિવાસી વિસ્તારોમાં જળ,જંગલ,જમીનને નુકસાન કરતી આઈપીએલ કંપનીના મુદ્દે સરકારને ઘેરી હતી અને આદિવાસી વિસ્તારોમાં હવા, પાણી અને પર્યાવરણને નુકસાન કરનાર કોઈપણ પ્રોજેક્ટ અમે ચલાવી લઈશું નહીં એવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી હતી.

રેલીમાં આવેલ ગ્રામજનોએ આસપાસના વિસ્તારના લોકોને આ પ્રશ્ન ફક્ત સાદડવેલ ગામ પૂરતો નથી પરંતુ એકવાર એક કંપની ઘૂષણખોરી કરશે તો ભવિષ્યમાં અનેક નવી કંપનીઓ આવી શાંતિપૂર્ણ જીવન જીવતા લોકોની જિંદગી તકલીફમય બનાવી દેશે,માટે તમામે એકજુથ થઇ પોતાના વિસ્તારમાં આવનારી મુસીબત સામે લડવું પડશે એવો મત રજુ કર્યો હતો.હવે સરકાર આવનાર સમયમાં આદિવાસીઓની લાગણીઓને માન આપીને કંપનીનું કામ આગળ નહીં વધવા દેશે કે મનમાની ચલાવશે તેના પર આસપાસના વિસ્તારના તમામ લોકોની નજર મંડાયી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here