વાંસદા:2 જુલાઈએ જ્યારે ડેડીયાપાડા ખાતે ચૈતર વસાવાના સમર્થન આપી ન્યાયની માંગ આદિવાસી સમાજ દ્વારા કરવા માટે જન સભાનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે આજરોજ વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલએ આદિવાસી યુવા નેતા ચૈતર વસાવા માટે ન્યાયની લડતનો મુદ્દો ફરી તીવ્ર બનાવતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં એલાન કર્યું છે કે, ‘ના કોઈ આપ માટે, ના કોઈ બાપ માટે… અમે લડીશું ચૈતર માટે’

ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે, આદિવાસી સમાજના યુવા નેતા ચૈતર વસાવા, જેઓ લોકોના હક-અધિકાર માટે સતત લડતા હતા અને સમાજ માટે દિવસ-રાત મહેનત કરતા હતા, તેમને ખોટા ષડયંત્ર હેઠળ 7 વર્ષની સજા આપી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. આ મામલે વિવિધ રાજકીય પક્ષો પોતાના રાજકીય લાભ માટે રોટલા સેકવા આવી શકે છે, પરંતુ અમે માત્ર ચૈતર વસાવાના ન્યાય માટે લડવાના મૂડમાં છીએ.

આદિવાસી સમાજમાં ખલબલી
આ એલાન પછી આદિવાસી સમાજમાં ભારે ચર્ચાઓ થવા લાગી છે. ઘણા લોકો આ વાતને સમર્થન આપી રહ્યા છે કે ચૈતર વસાવા પર થયેલી કાર્યવાહી રાજકીય પ્રેરિત છે. સમાજના યુવાનો અને આગેવાનોમાં આ મુદ્દે તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે. અનંત પટેલના આ નિવેદનને આદિવાસી સમાજના હક્ક માટેની લડત તરીકે જોવામાં આવી રહ્યું છે. આ મુદ્દા પર આગળ વિવિધ સંગઠનો અને આદિવાસી નેતાઓ પણ પ્રતિક્રિયા આપી શકે તેવી સંભાવના છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here