ચીખલી: સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજયના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયાએ મેડિકલ કોર્સમાં પ્રવેશ દરમ્યાન લેવામાં આવતી મસમોટી ફી જે ગરીબ વિદ્યાર્થીઓને લાચાર બનાવી રહી છે અને શિક્ષણનું વ્યાપારીકરણ થઇ રહ્યું છે તેના વિરુદ્ધમાં ગુજરાત સરકારને પત્ર લખી કડક વિરોધ વ્યક્ત કર્યો છે.

એકબાજુ સરકાર ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કટિબધ્ધ હોવાના દાવા કરે છે, તેમ છતાં વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની અરજી પ્રક્રિયા દરમિયાન લેવામાં આવતી પ્રવેશ ટિકિટની ફી આર્થિક રીતે નબળા અને અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગંભીર અવરોધ બની રહી છે. તેની સામે રાજય સરકારના અધિકારી/કર્મચારીઓની ભરતી કરતી ભરતી એજન્સી ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા વર્ગ-1 અને વર્ગ-2ની ઉચ્ચ કક્ષાની સરકારી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયામાં સામાન્ય ઉમેદવારો પાસેથી માત્રરૂ.100/-નીઅરજી ફી લેવામાં આવે છે જયારે અનામત વર્ગના ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. તેવી જ રીતે, કેન્દ્ર સરકારની પ્રતિષ્ટિતભરતી એજન્સી કેન્દ્રિય જાહેર સેવા આયોગ(UPSC) સિવિલ સર્વિસીસ કે કેન્દ્ર સરકારની અન્ય મહત્વની જગ્યાઓ ઉપર ભરતી માટેની પરીક્ષામાટે પણ સામાન્ય ઉમેદવાર પાસેથીરૂ.100/- જેટલી જ અરજી ફી લેવામાં આવે છે અને અનુસૂચિત જનજાતિ (ST), અનુસૂચિત જાતિ (SC), મહિલા તથા અન્ય અનામતત વર્ગોને અરજી ફીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવેલ છે.

જયારે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સમાં ફોર્મ ભરતી વખતે રિફંડેબલ અને નોનરિફંડેબલ 11,000 રૂપિયાની ચુકવણી દરેક ગરીબ વિદ્યાર્થીઓ માટે શક્ય નહીં હોય અનામત-બિનઅનામત તમામ વર્ગ માટે નજીવા દરે ફી નું ધારાધોરણ નક્કી કરવા સરકારે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરવી જોઈએ એવી માંગ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી છે. આ બાબતે ડો.નિરવ પટેલે જણાવ્યું હતું કે છેવાડાનો ગરીબમાં ગરીબ બાળક આર્થિક કારણોસર ભણવાનું છોડી નહીં દે એ માટે તમામ પૂરતા પ્રયત્નો સરકારે કરવા જોઈએ એ અમારો સ્પષ્ટ અભિપ્રાય છે અને સરકાર આ દિશામાં યોગ્ય પગલાં લેશે એવી અમને આશા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here