નવસારી: વાંસદા તાલુકાના ખાટા આંબા ગામ ફળિયું: ઙુંગરીના લોકોએ મૂળભૂત સુવિધાના અભાવને પોતાની એકતા અને સ્વાવલંબનથી પાર કરી દીધો છે. ખેતરેથી ગામમાં અવર-જવર માટે કોઈ યોગ્ય રસ્તો કે પુલ ન હોવાથી વર્ષોથી મુશ્કેલીનો સામનો કરતા ગામના લોકોએ પોતાની મહેનત, સંકલ્પ અને સામૂહિક પ્રયાસોથી જાતે જ પુલનું નિર્માણ કરી દીધું છે.
આ પુલ માત્ર લાકડાં અને સ્થાનિક સામગ્રીથી બનેલી સાદી રચના નથી, પરંતુ તે ગામલોકોના આત્મવિશ્વાસ, સ્વાવલંબન અને અડગ મનોબળનું જીવંત પ્રતીક છે. ખેતરમાંથી પાક લાવવા, બાળકોને શાળા મોકલવા અને અવર-જવર માટે વર્ષોથી પરેશાની વેઠતા ગામવાસીઓએ છેવટે “સમસ્યાનો ઉકેલ આપણે જ લાવવાનો છે”ના મંત્ર સાથે આ પહેલ કરી. ગામના યુવાનો, કિસાનો અને અનુભવી વડીલોના સાથે મળીને કરેલા આ પ્રયાસમાં સાધનોની અછત હોવા છતાં અવિરત મહેનત અને એકતાએ મુશ્કેલીઓને પાર કરી દીધી. આજે આ પુલ ગામના રોજિંદા જીવનને સરળ બનાવી રહ્યો છે અને મોસમી વરસાદમાં પણ અવર-જવરમાં મદદરૂપ થઈ રહ્યો છે.
આધુનિક યુગમાં પણ અંતરિયાળ વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના અભાવને જોતાં, ખાટા આંબા ગામની આ પહેલ અનેક ગામડાઓ માટે પ્રેરણારૂપ બની છે. તે એક મહત્ત્વનો સંદેશ આપે છે કે મજબૂત ઇચ્છાશક્તિ, સહકાર અને સામૂહિક પ્રયત્નો હોય તો કોઈપણ મુશ્કેલીને દૂર કરી શકાય છે. ગામલોકોની આ સ્વાવલંબી પહેલને સ્થાનિક સ્તરે વ્યાપક પ્રશંસા મળી રહી છે. આ ઘટના એ વાતનું પ્રતીક છે કે વિકાસ માટે હંમેશા સરકારની રાહ જોવાની જરૂર નથી, પોતાના પગ પર ઊભા રહેવાની મનોભાવના હોય તો વિકાસનો માર્ગ જાતે જ શોધી શકાય છે.











