ડાંગ: ડાંગ જિલ્લાના અંતરિયાળ અને આર્થિક રીતે અત્યંત પછાત વિસ્તારમાંથી આવતા આદિવાસી યુવાન અસ્મિત સીતારામ કુંવરએ તમામ પ્રતિકૂળ પરિસ્થિતિઓને પાર કરીને MBBSની પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કરીને ડોક્ટર બનવાની સિદ્ધિ હાંસલ કરી છે.
અસ્મિતના પિતા પરિવારનું ગુજરાન ચલાવવા માટે માંડવી તાલુકામાં શેરડી કાપવાની મજૂરી કરતા હતા. અત્યંત ગરીબીમાં જન્મેલા અસ્મિતે બુદ્ધિ અને અવિરત મહેનતથી કરમસદ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. અભ્યાસ દરમિયાન તેમને આર્થિક તંગીનો ભારે સામનો કરવો પડ્યો. એક સમય એવો પણ આવ્યો જ્યારે તેઓ આખા દિવસમાં માત્ર એક જ વખત ભોજન કરીને અભ્યાસ ચાલુ રાખતા હતા. કોરોના મહામારી દરમિયાન ઓનલાઈન ક્લાસ અને આર્થિક ભીંસને કારણે અસ્મિત અભ્યાસ અધવચ્ચે છોડી દેવાના કઠિન નિર્ણય સુધી પહોંચી ગયા હતા. ફી ભરવાના સાધનો ન હોવાથી તેમના સપના અધૂરા રહેવાની તૈયારી હતી. આ કપરી ક્ષણે માંડવીના સંવેદનશીલ શિક્ષકો અને સિવિલ હોસ્પિટલના સેવાભાવી ડોક્ટરો દેવદૂત સમાન પુરવાર થયા. તેમણે અસ્મિતની કોલેજ અને હોસ્ટેલની બાકી ફી ભરી, રહેવા-જમવાની વ્યવસ્થા કરી આપી અને માનસિક ટેકો પૂરો પાડ્યો.
આ માનવતાભર્યા પ્રયાસોના પરિણામે “100 નો સાથ” નામનું ગ્રુપ રચાયું, જેનો ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરંતુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આર્થિક, માનસિક અને માર્ગદર્શન આપવાનો છે. આ ગ્રુપના સભ્યોના સતત સહયોગ, શિક્ષકો-ડોક્ટરોના પ્રોત્સાહન અને અસ્મિતની અથાગ મહેનતના બળે તેઓ આજે ફર્સ્ટ ક્લાસ MBBS ડોક્ટર બન્યા છે.
આ સફળતા માત્ર અસ્મિત અને તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજ માટે પ્રેરણાનો સ્રોત બની છે. આ ઘટના એ વાતનો જીવંત પુરાવો છે કે સમાજની સંવેદના અને સહયોગ કોઈપણ વ્યક્તિના નસીબને બદલી શકે છે.











