ગુજરાત: આદિવાસી સમાજની પરંપરાગત માન્યતાઓ અને રૂઢિઓને અંધશ્રદ્ધાનું લેબલ લગાવવાની વિરુદ્ધમાં વિવાદ સતત ચાલુ છે. આદિવાસીઓના વહેવાર અને પૂર્વજ પૂજાને સમજવાનો પ્રયાસ કરતા ઘણા સમાજવિદ્ધો અને સ્થાનિક વિદ્વાનો કહે છે કે આ પરંપરાઓ વૈજ્ઞાનિક અજ્ઞાનતાનું પરિણામ નથી, પરંતુ પ્રકૃતિ, અનુભવ અને પરિવારિક ભાવનાત્મક જોડાણ પર આધારિત જીવન જીવવાની વિશિષ્ટ રીત છે.
આદિવાસીઓની માન્યતા અનુસાર, માણસના મૃત્યુ પછી પણ પરિવાર અને પૂર્વજો સાથેનો ભાવનાત્મક સંબંધ અટકતો નથી. તેઓ મૃતકોને પેઢી દર પેઢી એક જ જગ્યાએ સ્થાન આપે છે. પૂર્વજોના સ્થાનકને ઉખેડવા કે બદલવાની પ્રથા તેમનામાં નથી. પરિવારના સભ્યો ત્યાં આવીને પૂજા-અર્ચના કરે છે અને પૂર્વજોને દેવત્વનો દરજ્જો આપે છે. આ પરંપરામાં આત્મા, પરમાત્મા કે મોક્ષની આધ્યાત્મિક ચર્ચા નથી, પરંતુ જીવંત સંબંધ અને સ્મૃતિને મહત્ત્વ આપવામાં આવે છે.
આદિવાસી મહિલા લીડર દમયંતી ચૌધરી જણાવે છે કે, હિંદુ શાસ્ત્રોમાં “જેમ હનુમાનજીએ ભૂખ લાગતા સૂર્યને ફળ સમજીને ગળી ગયા તે વાત હિંદુઓ અંધશ્રદ્ધા તરીકે ન સ્વીકારતા હોય તો આદિવાસીઓએ જે પ્રકૃતિ અને અનુભવમાંથી જોયું-અનુભવ્યું તેને તેમના વહેવારમાં ઉતાર્યું છે. આ કલ્પના પણ તેમના અનુભવની સીમામાં જ છે.” આદિવાસી સમાજમાં પરંપરાગત વિધિ-વિધાન અને માન્યતાઓ પરિવારને કેન્દ્રમાં રાખીને વિકસિત થઈ છે. તેઓ પોતાના પૂર્વજોને ખેતરોમાં અથવા પારિવારિક જમીનમાં જ સ્થાન આપે છે, જેથી મૃત્યુ પછી પણ તેઓ પરિવાર સાથે જોડાયેલા રહે. આ પ્રથાને ઘણા લોકો આધુનિકતાના નામે અંધશ્રદ્ધા તરીકે ખારેજ કરવા માંગે છે, પરંતુ સમાજશાસ્ત્રીઓનું માનવું છે કે આ તેમની સાંસ્કૃતિક ઓળખ અને પર્યાવરણીય સંતુલનનો ભાગ છે.
આ વિવાદમાં ઘણા પ્રશ્નો ઊઠે છે – શું વિવિધ સંસ્કૃતિઓની માન્યતાઓને એક જ માપદંડથી માપવી જોઈએ ? શું આદિવાસીઓની આ પરંપરાઓને સમજવાને બદલે તેમને સીધી અંધશ્રદ્ધાનું નામ આપવું યોગ્ય છે ? આજના સમયમાં સાંસ્કૃતિક વિવિધતાને માન આપવું અને તેનું સંરક્ષણ કરવું જરૂરી છે, એવું અનેક વિદ્વાનોનું કહેવું છે. આ મુદ્દે વધુ ચર્ચા અને સંવાદની જરૂર છે જેથી આદિવાસી સમાજની વારસાગત માન્યતાઓને તેમના સ્વરૂપમાં સમજી શકાય.











