ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના માંડવખડક ગામના શિંગળવેરી ફળિયામાં તાંત્રિક દ્વારા મેલી વિદ્યાનો ઉપયોગ કરીને એક વ્યક્તિ તથા તેના પરિવારને મારણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની લોકચર્ચા ફેલાઈ હતી. આ કિસ્સામાં ગામના સરપંચ વલ્લભભાઈ ચૌધરીની હાજરીમાં વિધિ કરવાના સ્થળે ગ્રામજનોની ભારે ભીડ જોવા મળી હતી.

Decision News ને ઘટના સ્થળ પર ભેગા થયેલા લોકો પાસેથી મળેલી માહિતી અનુસાર, જમીનમાં ખોદકામ કરતાં તાંત્રિક વિધિ માટે વપરાયેલી વિવિધ વસ્તુઓ મળી આવી હતી. આ જમીન દશરથ ચૌધરીની છે અને તેમના તથા તેમના પરિવારને નુકસાન પહોંચાડવા માટે આ મેલી વિદ્યાની વિધિ ગામના જ એક તાંત્રિક (ભગત) દ્વારા કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં ગામના લોકો એકઠા થઈ ગયા હતા અને મામલો વધુ વિકરાળ સ્વરૂપ લેવાની સંભાવના સર્જાઈ હતી. ત્યાર બાદ અન્ય ભગતોને બોલાવીને મેલી વિદ્યાની અસર દૂર કરવા માટેની વિધિ પણ કરવામાં આવી હતી.

ગામના સરપંચ વલ્લભભાઈ ચૌધરીએ સ્થળ પર પહોંચીને લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમના આવવાથી વાતાવરણ શાંત રહ્યું હતું અને મોટા તનાવની સ્થિતિ ટળી હતી. આવી અંધશ્રદ્ધા અને તાંત્રિક પ્રવૃત્તિઓને લઈને સ્થાનિક વિસ્તારમાં ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here