વલસાડ: વર્ષ 2023 માં વનકર્મીઓ પર ફાયરિંગ અને માર મારવાની ઘટનામાં કોર્ટે ચુકાદો આપતા ચૈતર વસાવા અને તેમની પત્ની શંકુતલાબેન સહીત અન્ય વ્યક્તિઓને દોષિત જાહેર કર્યા છે. આ ચુકાદા બાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો અને ધવલ પટેલે આ સમગ્ર મામલે કડક પ્રતિક્રિયા આપી છે.
ધવલ પટેલે જણાવ્યું હતું કે, “કાયદો હંમેશા કાયદાનું કામ કરે છે.” તેમણે વધુમાં કહ્યું કે કે, ચૈતર વસાવાનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો રહ્યો છે. અગાઉ પણ તેમના વિરુદ્ધ 19 જેટલા અલગ-અલગ ગુનાઓ નોંધાયેલા છે. કોર્ટે તમામ ઉપલબ્ધ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખીને ખૂબ જ ગંભીરતાથી આ આકરી સજા સંભળાવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કાયદાના શાસનમાં કોઈ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી અને ન્યાયતંત્રએ ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારને યોગ્ય સંદેશ આપ્યો છે.
ધવલ પટેલે વધુ કહ્યું કે, ચૈતર વસાવા દ્વારા સતત આવી ગુનાહિત અને અસંવેદનશીલ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તાજેતરમાં જ એક આદિવાસી સમાજના યુવકને પણ તેમના દ્વારા જાહેર સ્થળે થપ્પડ મારવાનો કિસ્સો સામે આવ્યો હતો. આવા પ્રકારના અસામાજિક વ્યવહારને કારણે સમાજમાં નકારાત્મક સંદેશ જાય છે. સાંસદે ભારપૂર્વક કહ્યું હતું કે, જે રીતે તેમની સામે પગલાં લેવાયા છે, તે દર્શાવે છે કે કાયદાએ પોતાનું કામ યોગ્ય રીતે કર્યું છે.











