પ્રતિકાતમ્ક ફોટોગ્રાફ્સ

ધરમપુર: ધરમપુર તાલુકાના મરગમાળ ગામમાં દીપડાના આતંકની વધુ એક ઘટનાએ સ્થાનિકોમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાવ્યો છે. ગામના જલારામ ફળિયામાં રહેતા ગોકુળભાઈ મહેરવાનજીભાઈ પટેલના ઘરે શનિવારે મોડી રાત્રે દીપડો ઘૂસી આવ્યો હતો. આ હુમલામાં તેમના પાંચ બકરાઓના મોત નીપજ્યા છે.

Decision News ને મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે દીપડો સીધો રહેણાંક વિસ્તારમાં પહોંચી ગયો હતો અને બકરાઓને નિશાન બનાવી હુમલો કર્યો હતો. બકરાઓ મૃત હાલતમાં મળતાં સમગ્ર ગામમાં દહેશત ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં વન વિભાગના કર્મચારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટનાસ્થળની તપાસ કરી જરૂરી વિગતો એકત્ર કરી હતી.

સરપંચની રજૂઆત
ઘટનાને પગલે ગામના સરપંચ રજનીકાંત પટેલે ગ્રામ પંચાયતના લેટરપેડ પર ધરમપુર આરએફઓને લેખિત રજૂઆત કરી છે. તેમણે અસરગ્રસ્ત પશુપાલકને યોગ્ય વળતર ચૂકવવાની માંગણી કરી છે. સાથે જ ગામ અને આસપાસના વિસ્તારોમાં દીપડાની હિલચાલ પર નજર રાખી ગ્રામજનોની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી જંગલ વિસ્તારમાં ખોરાકની અછતને કારણે દીપડા વારંવાર રહેણાંક વિસ્તારો તરફ આવી રહ્યા છે. તેઓ બકરાં, વાછરડાં અને અન્ય પાલતુ પશુઓ પર હુમલા કરી રહ્યા છે, જેના કારણે પશુપાલકોમાં ભારે ચિંતા વધી રહી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here