છોટા ઉદેપુર: છોટા ઉદેપુર જિલ્લાના ઊંચાપાન વિસ્તારના સુનિલકુમાર ચંદુભાઈ રાઠવાને લોકરક્ષક દળમાં પસંદગી મળ્યા બાદ તેમના ST  જાતિ પ્રમાણપત્રની ખરાઈ માટે વિજિલન્સ સેલ, ગાંધીનગર તરફથી નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં આદિવાસી સમુદાયની પરંપરાઓ અને રીતિ-રિવાજોના પુરાવા માગવામાં આવ્યા છે, જેમાં લગ્ન તથા સામાજિક વહેવારોના ફોટોગ્રાફ્સ, પીઠોરા દેવના ફોટા અને અન્ય આદિવાસી વિધિઓના પુરાવા સામેલ છે.

વિજિલન્સ સેલના આ પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે આગામી સમયમાં ST સ્ટેટસ જાળવવા માટે વ્યક્તિએ પોતાની આદિવાસી જન્મ-મરણ, લગ્ન, પૂજા-વિધિ, તહેવારો અને દેવી-દેવતાઓની પરંપરાગત રીતે પાલન કરવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિ હિંદુ અથવા ઈસાઈ વિધિઓ અનુસરે છે તો તેમની આદિવાસી પરંપરા છોડી દેવાનું ગણાશે.

સુપ્રીમ કોર્ટના જજમેન્ટની અસર
આ મામલો 24 માર્ચ 2026 ના રોજ સુપ્રીમ કોર્ટના ચિંથાડા આનંદ વિરુદ્ધ આંધ્રપ્રદેશ જજમેન્ટ સાથે જોડાયેલો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે મુખ્યત્વે SC સ્ટેટસ પર ધાર્મિક રૂપાંતરણની અસર સ્પષ્ટ કરી છે – હિંદુ, સીખ અને બૌદ્ધ ધર્મ સિવાય અન્ય ધર્મ અપનાવવાથી SC સ્ટેટસ તુરંત ગુમાવવું પડે છે. ST માટે કોઈ ધાર્મિક પ્રતિબંધ નથી, પરંતુ કોર્ટે “સોસિયોલોજિકલ ટેસ્ટ”નો ઉલ્લેખ કર્યો છે. તે મુજબ વ્યક્તિએ પોતાની જનજાતિની મૂળ રીતિ-રિવાજો, સામાજિક વ્યવસ્થા અને સમુદાયની સ્વીકૃતિ જાળવી રાખવી જરૂરી છે. જો આદિવાસી પરંપરાઓ છોડીને અન્ય ધાર્મિક વિધિઓ અપનાવવામાં આવે તો ST દરજ્જો ક્ષીણ થઈ શકે છે.

આદિવાસી સમુદાયમાં ચર્ચા
આ વિજિલન્સ નોટિસ અને સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઈને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ચર્ચાઓ થઈ રહી છે. ઘણા લોકો માને છે કે આ પગલું ST પ્રમાણપત્રોની અનિયમિતતા અટકાવવા માટે છે, જ્યારે અન્યો તેને પરંપરાગત સંસ્કૃતિના સંરક્ષણ તરીકે જુએ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here