વાંસદા: નવસારીના જિલ્લાના વાંસદા તાલુકાના પીપલખેડ ગામના પ્રવીણભાઈ પઢેરે નર્સરી ફાર્મમાં વિદેશી કેરીની ઉત્તમ જાતોનું સફળ સંવર્ધન અને ઉત્પાદન કરીને તેમણે સ્થાનિક ખેડૂતો માટે નવો માર્ગ ખોલ્યો છે. છેલ્લા 3-4 વર્ષોના અથાગ પરિશ્રમ અને પ્રયોગો બાદ મહા ચાનોક સહિત અનેક વિદેશી કેરીની જાતો વિકસાવી છે. તેમણે મિયાઝાકી, મહા ચાનોક, નામ ડોક માઈ, ઈરવિન, એપલ મેંગો અને કિંગ ઓફ ચકાપટ જેવી લોકપ્રિય આંતરરાષ્ટ્રીય જાતોની કલમોનું સંવર્ધન કરીને સ્થાનિક વાતાવરણમાં તેમને અનુકૂળ બનાવી છે.

આ વિદેશી કેરીઓની કલમો અને ઉત્પાદન દ્વારા પ્રવીણભાઈએ માત્ર પોતાની ખેતી જ નહીં, પરંતુ આસપાસના ખેડૂતો માટે પણ નવી ઓળખ અને આવકના સ્ત્રોત ઊભા કર્યા છે. આ જાતોની કેરીઓની ગુણવત્તા, સ્વાદ અને બજારમૂલ્ય સામાન્ય કેરી કરતાં ઘણું વધારે હોવાથી ખેડૂતોને સારી આવક મળી રહી છે.

પ્રવીણભાઈ પઢેરે જણાવ્યું કે, “પરંપરાગત ખેતીમાં નવીનતા લાવવી જરૂરી છે. વિદેશી જાતોની કલમો અપનાવવાથી ઉત્પાદન વધે છે અને બજારમાં માંગ પણ વધુ છે.” તેમણે અન્ય ખેડૂતોને પણ આવી આધુનિક ખેતી તરફ વળવાની અપીલ કરી છે.

આ સફળતા વાંસદા તાલુકાની ખેતી પ્રવૃત્તિને નવી દિશા આપવાની સાથે જ સ્થાનિક કૃષિ અર્થતંત્રને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.  પ્રવીણભાઈ પઢેરની આ સિદ્ધિ એક વ્યક્તિના સંકલ્પ અને પરિશ્રમથી ખેતીને કેવી રીતે નવી ઊંચાઈએ પહોંચાડી શકાય તેનું જીવંત ઉદાહરણ છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here