ભરૂચ/નર્મદા: ભાજપના ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે તેમના આક્ષેપોને વધુ તીખા કર્યા છે. સાંસદ વસાવાએ કહ્યું, “જે પક્ષ હંમેશા શિસ્ત, મૂલ્યો અને ભ્રષ્ટાચારમુક્ત શાસનની વાત કરે છે, તે નર્મદા જિલ્લામાં દારૂ-જુગારના અડ્ડા ચલાવનારા તત્વોને પ્રોત્સાહન આપતા નેતૃત્વને કેમ ચલાવી લે છે ? પક્ષના પાયાના કાર્યકરો લોકહિત માટે લડી રહ્યા છે, જ્યારે જિલ્લા પ્રમુખ બુટલેગરોની પડખે ઊભા છે.”

તેમણે આક્ષેપ કર્યો કે નીલ રાવ અને તેમની ટોળકીના ભ્રષ્ટાચાર તથા નકારાત્મક વલણને કારણે ભાજપે નર્મદા જિલ્લા પંચાયત ગુમાવી છે. વસાવાએ ચેતવણી આપી કે, “જો હાઈકમાન્ડ તાત્કાલિક પગલાં નહીં લે, તો જિલ્લા પંચાયત પછી આગામી સમયમાં ભાજપ પક્ષે હજુ ઘણું ગુમાવવું પડશે.

સાંસદે વધુમાં જણાવ્યું કે સ્થાનિક આદિવાસી સમાજ આ પ્રકારના સામાજિક દૂષણો, ભ્રષ્ટાચાર અને ડરાવવા-ધમકાવવાની રાજનીતિથી સખત નારાજ છે. “જો પક્ષ સંગઠન આદિવાસી અસ્મિતા અને પ્રજાના અવાજને સાંભળીને તાત્કાલિક પ્રમુખને પદ પરથી નહીં હટાવે, તો પક્ષ પ્રત્યેનો જનઆક્રોશ વધુ ઉગ્ર બનશે,” તેમણે કહ્યું. નાંદોદના MLA દર્શના દેશમુખના અપમાન બાદ વકરેલા વિરોધ વચ્ચે મનસુખ વસાવા પાર્ટીના આંતરિક મુદ્દાઓને લઈને સતત અવાજ ઉઠાવી રહ્યા છે. આ મુદ્દે હાઈકમાન્ડ કેવી પ્રતિક્રિયા આપે છે તેના તરફ તમામની નજર છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here