ખેરગામ: તાલુકાના ગૌરી ગામની લોકમંગલમ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આશ્રમશાળામાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ચાલી રહેલ વિવાદમાં ટ્રસ્ટીઓએ નિવૃત આચાર્ય ગોકુળ પટેલ પર કેરીચોરી, સરકારી પાણી ટાંકી ચોરી તેમજ વિવિધ આક્ષેપોવાળી ફરિયાદો બાદ ગોકુળ પટેલનાં આશ્રમશાળામાં પ્રવેશ પર મનાઈ હુકમ ફરમાવતો લેખિત આદેશ આપતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ છે.

પ્રમુખ બિપીનભાઈ ગરાસિયાએ વિવાદિત નિવૃત આચાર્ય ગોકુળ પટેલ પર ગંભીર આક્ષેપો મુકતા જણાવ્યું હતું કે ગોકુળ પટેલ અમારી માલિકીનું ટ્રસ્ટ પચાવી પાડવા વર્ષોથી કાવાદાવા કરતો આવેલ છે અને કોઈ સત્તાવાર હોદ્દા પર નહીં હોવા છતાં આશ્રમશાળાના સગીર બાળકોને ખેતરમાં તથા ઘરના અંગત કામો માટે લઈ જઈ વેઠ કરાવતો આવેલ છે જે કૃત્ય બાળ મજૂરી પ્રતિબંધ કાયદાઓ અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટનું સીધું અને ખુલ્લું ઉલ્લંઘન છે. સંસ્થામાં પ્રવેશી ગેરકાયદેસર રીતે કેરી ચોરી અને સરકારી પાણીની ટાંકીની ચોરી કરી તેમજ વર્ષોથી આશ્રમશાળામાં બાળકો માટે આવતું સરકારી બોરનું પાણીનું કનેકશન કાપી નાખી ભર ઉનાળે બાળકોને લાચાર બનાવી દીધેલ છે. તેના વારંવારનાં આવા કૃત્યોથી ત્રાસીને અમે જ્યાં સુધી સક્ષમ અદાલત અથવા કાયદાકીય સત્તાતંત્ર દ્વારા કોઈ નવો આદેશ નહીં થાય ત્યાંસુધી ટ્રસ્ટીમંડળનાં અધ્યક્ષ/સેક્રેટરીની પૂર્વ લેખિત મંજૂરી વગર પ્રવેશ કરવા પ્રતિબંધ લગાવ્યો છે.

જો ગોકુળ પટેલ દ્વારા આ આદેશનું ઉલ્લંઘન કરી પ્રવેશ (ક્રિમિનલ ટ્રેસપાસ) કરશે કે સંસ્થાનાં બાળકો કે શિક્ષકો કે કોઈપણ કર્મચારીઓને ડરાવશે કે સંસ્થાની સ્થાવર/જંગમ મિલ્કતને સહેજ પણ નુકસાન પહોંચાડશે તો તાત્કાલિક તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અનુસાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને તેનો સંપૂર્ણ ખર્ચ ગોકુળ પટેલે જ કરવો પડશે. પ્રમુખ બિપીનભાઈ ગરાસિયાનાં આ આદેશનું ગોકુળ પટેલ પાલન કરશે કે કેમ ? અને ગોકુળ પટેલ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો પ્રમુખ બિપીનભાઈ ગરાસિયા શું પગલાં લે છે તે મુદ્દો સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here