નર્મદા: હાલમાં ગુજરાતના રાજકીય માહોલમાં એક મુદ્દો ખૂબ જ ગરમાયો છે અને તે છે નાંદોદના આદિવાસી ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ વચ્ચેનો વિવાદ. આ વિવાદ માત્ર બે નેતાઓ વચ્ચેનો નથી, પરંતુ તે આદિવાસી સમાજની ગરિમા, અપમાન અને સત્તાના નશામાં ચૂર માનસિકતાનો પડઘો છે. નીલ રાવ દ્વારા ડૉ. દર્શનાબેન દેશમુખનું સતત અને જાહેરમાં થતું અપમાન એ દર્શાવે છે કે ભાજપમાં આદિવાસી નેતૃત્વ પ્રત્યે કેવો ભેદભાવભર્યો અને તુચ્છકારભર્યો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે તેનું ઉદાહરણ છે એમ લોકો જણાવી રહ્યા છે.
ડૉ. દર્શનાબેન દેશમુખ દ્વારા એવો પણ સનસનીખેજ ખુલાસો થયો છે કે આ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા નીલ રાવે ભરૂચ જિલ્લાના સાત ટર્મથી સાંસદ મનસુખ વસાવા પર પણ હાથ ઉગામ્યો છે ! સાંસદ મનસુખભાઈ વસાવા જેવા કદાવર આદિવાસી નેતાએ પણ નીલ રાવ દ્વારા કરવામાં આવતા અપમાન અંગે જાહેરમાં અવાજ ઉઠાવ્યો છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
જ્યારે એક આદિવાસી મહિલા ધારાસભ્ય, જે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ છે, તેમને જાહેરમાં અપમાનિત કરવામાં આવે છે, તેમની અવગણના થાય છે, માનસિક પ્રતાડના આપવામાં આવે છે અને અભદ્ર વર્તન કરવામાં આવે છે, ત્યારે તે માત્ર એક વ્યક્તિનું નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન છે.
આદિવાસી દીકરી પર થઈ રહેલા આ અન્યાય સામે જ્યારે દર્શનાબેને અવાજ ઉઠાવ્યો અને ગુહાર લગાવી, ત્યારે હજારો-લાખો આદિવાસીઓ તેમના સમર્થનમાં રસ્તા પર ઉતરી આવ્યા. સોશિયલ મીડિયા પર આક્રોશ ફાટી નીકળ્યો અને ધરણા સ્થળે અનેક આદિવાસી લોકો અને સંગઠનોએ એક થઈને તેમને સાથ આપ્યો. આ દર્શાવે છે કે આદિવાસી સમાજ હવે પોતાનું અપમાન સહેજ પણ સહન કરવા તૈયાર નથી.
ભાજપના ઉચ્ચ સ્તરેથી જ્યારે આશ્વાસન આપવામાં આવ્યું કે બંને પક્ષોને સાંભળીને યોગ્ય ન્યાય કરવામાં આવશે, ત્યારે દર્શનાબેને સાંજે ધરણા સમેટી લીધા હતા. પરંતુ, આજે સમગ્ર આદિવાસી સમાજ મીટ માંડીને રાહ જોઈ રહ્યો છે કે આ આશ્વાસનનું પરિણામ શું આવશે? શું આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા નીલ રાવનું રાજીનામું લેવામાં આવશે ખરું ?











