વાંસદા: ગતરોજ વાંસદા તાલુકાના ભીનાર ગામે પ્રસ્તાવિત 965-કે.વી. ડબલ સર્કિટ સાઉથ ઓલપાડ- નાસિક હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઇનને લઈને ફરી એકવાર ભારે વિવાદ ઉભો થયો છે. ભીનાર ગ્રા.પં.દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હોવા છતાં પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડની સર્વે ટીમ ગામમાં પહોંચતા સ્થાનિકો માં ભારે રોષ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા મળતી માહિતી મુજબ, પાવરગ્રીડની ટીમ ભીનાર ગામની સીમમાં 765- કે.વી. હાઈટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઇન માટે રૂટ સર્વેની કામગીરી કરી રહી હતી. સર્વેની જાણ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થયા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામની સંમતિ વગર અને ગ્રા.પં.ના વિરોધના ઠરાવને અવગણીને સર્વે હાથ ધરવામાં આવી રહ્યો હતો સ્થળ પર પહોંચેલા સરપંચે સર્વે કરી રહેલી ટીમ પાસેથી જરૂરી મંજૂરી, અધિકૃત દસ્તાવેજો તથા સ્થાનિક સ્તરે કરવામાં આવેલી પ્રક્રિયા અંગે માહિતી માંગતા મામલો ગરમાયો હતો. ત્યારબાદ સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્થળ પર પહોંચી સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી ભીનાર ગ્રામ પંચાયત દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે કે ગામની સીમમાંથી પ્રસ્તાવિત હાઈટેન્શન ટ્રાન્સમિશન લાઇન પસાર કરવામાં આવે તો ખેતીની જમીનો, જંગલ વિસ્તાર, પર્યાવરણ તેમજ ગ્રામજનોના હિતોને ગંભીર અસર પહોંચી શકે છે. ઠરાવમાં ગ્રામજનોની લાગણીને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને સંબંધિત વિભાગોને રજૂઆત પણ કરવામાં આવી હતી
સ્થાનિકોના જણાવ્યા મુજબ, આદિવાસી વિસ્તારમાં ખેતી અને જંગલ આધારિત જીવનશૈલી ધરાવતા પરિવારો માટે જમીન જ જીવનનો મુખ્ય આધાર છે. જો હાઈટેન્શન લાઇન ગામની સીમમાંથી પસાર થશે તો ભવિષ્યમાં ખેતી, વૃક્ષો અને વિકાસ કાર્યો પર તેની સીધી અસર પડી શકે છે. આ કારણોસર ગ્રામજનો લાંબા સમયથી આ પ્રોજેક્ટ સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે બીજી તરફ, પાવરગ્રીડ દ્વારા નવસારી કલેક્ટરને સંબોધીને કરાયેલા પત્રમાં 765 કે.વી. ડબલ સર્કિટ સાઉથ ઓલપાડ-નાસિક ટ્રાન્સમિશન લાઇન માટે નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં સર્વે હાથ ધરવાની જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પત્રમાં જણાવાયું છે કે આ લાઇન સુરત, નવસારી અને વલસાડ જિલ્લાઓમાંથી પસાર થવાની છે. પત્રની નકલ જિલ્લા પોલીસ અધિક્ષકને પણ મોકલવામાં આવી હોવાનું દસ્તાવેજોમાં ઉલ્લેખિત છે. જોકે ગ્રામજનો અને પંચાયતના પ્રતિનિધિઓનું કહેવું છે કે માત્ર વહીવટી તંત્રને જાણ કરવી પૂરતી નથી, પરંતુ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની લાગણી અને ગ્રામસભાના નિર્ણયોને પણ માન આપવું જરૂરી છે ગ્રામજનોનો પ્રશ્ન છે કે જ્યારે ગ્રામ પંચાયત પહેલેથી જ વિરોધનો ઠરાવ પસાર કરી ચૂકી છે ત્યારે તે ઠરાવની અવગણના કરીને સર્વે કેવી રીતે હાથ ધરવામાં આવ્યો સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે.
ભીનાર ગામ, તા. વાંસદા, જિ. નવસારી અનુસૂચિ પાંચ વિસ્તાર અંતર્ગત આવે છે. પેસા એક્ટ 1996 પેસા એક્ટ 2017 મુજબ ગ્રામસભાની પૂર્વ મંજૂરી વગર અહીં કોઈપણ પ્રોજેક્ટ, સર્વે કે કામગીરી કરી શકાય નહીં ગ્રામસભાની મંજૂરી વિના કોઈ એજન્સી દ્વારા ગામમાં પ્રવેશ કરીને સર્વે કરવો બિનઅધિકૃત ગણાશે અને આવા કિસ્સામાં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. – વાંસદા ધારા સભ્યઅનંત પટેલ











