વાંસદા: ગતરોજ વાંસદા-ચીખલી વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અનંત પટેલે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) યોજના હેઠળ ચાલતા કાર્યોની સ્થળ મુલાકાત લીધી છે. આ દરમિયાન તેમણે શ્રમિકો સાથે વાતચીત કરીને તેમની સમસ્યાઓ સાંભળી હતી.
ભીનાર ગામના શ્રમિકો સાથે કોષખાડી ગામે ચાલી રહેલા ડિસિલ્ટિંગ કાર્યના સ્થળે અનંત પટેલે વિસ્તૃત ચર્ચા કરી. શ્રમિકોએ મુખ્યત્વે સમયસર વેતન ન મળવાની ફરિયાદ કરી હતી. તેમણે રોજગારીના મર્યાદિત અવસરો અને વહીવટી અડચણો અંગે પણ રજૂઆત કરી હતી. ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું કે મનરેગા યોજનાનો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોમાં શ્રમિક પરિવારોને તેમના ગામમાં જ રોજગારી પૂરી પાડવાનો છે. પરંતુ વેતનમાં વિલંબ થવાથી આ યોજનાનો હેતુ જ અસરગ્રસ્ત થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે હાલમાં દૈનિક 288 નું વેતન ચૂકવવામાં આવે છે, પરંતુ દર વર્ષે થતો વેતન વધારો આ વર્ષે હજુ લાગુ પડ્યો નથી. વધતી મોંઘવારીમાં આ વેતન અપૂરતું છે. અનંત પટેલે મનરેગા સાથે સંકળાયેલા મેટ, ગ્રામ રોજગાર સેવકો અને ટેકનિકલ સ્ટાફના વેતન વિલંબનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમના જણાવ્યા મુજબ મેટને છેલ્લા છ મહિનાથી મહેનતાણું મળ્યું નથી, જ્યારે ગ્રામ રોજગાર સેવકોનો પગાર ત્રણ મહિનાથી બાકી છે. ટેકનિકલ સ્ટાફને પણ સમયસર ચુકવણી થતી નથી.
ધારાસભ્યે આક્ષેપ કર્યો કે મનરેગા કાર્યોમાં વપરાયેલા માલસામાનના બિલો પણ એક વર્ષથી અટવાયેલા છે. માત્ર વાંસદા તાલુકામાં જ અંદાજે 2.96 કરોડના બિલો ચૂકવવાના બાકી છે. આના કારણે વિકાસ કાર્યોની ગતિ ધીમી પડી છે અને કામદારો તેમજ સપ્લાયરો પર આર્થિક દબાણ વધ્યું છે. તેમણે આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વચ્ચેના વેતન તફાવતનો મુદ્દો પણ ઉઠાવ્યો. આઉટસોર્સિંગ કર્મચારીઓને 25,000 જેટલું વેતન મળે છે, જ્યારે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને માત્ર 16000 મળે છે. અનંત પટેલે કોન્ટ્રાક્ટ કર્મચારીઓના વેતનમાં વધારો કરવાની માંગ કરી છે.











