ધરમપુર: ગતરોજ ધરમપુર તાલુકાના મધુરી ગામમાંથી એક ચોંકાવનારી ઘટના બની છે. ગાય માટે લીલો ચારો લેવા માળી ક્ષેત્રમાં ગયેલા આદિવાસી સમાજના હરિભાઈ બંસ્થાભાઈ પવાર પર દીપડાએ જીવલેણ હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.
હરિભાઈ બંસ્થાભાઈ પવાર પર દીપડાએ જીવલેણ હુમલાની ઘટના સમયે નજીકમાં મનરેગા યોજના હેઠળ કામ કરી રહેલા મજૂરોએ અવાજ સાંભળતા તરત જ દોડી આવ્યા હતા. તેમના આવવાથી દીપડો ભાગી ગયો હતો. દીપડાએ માથાના પાછળના ભાગે પંજો મારતા હરિભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘાયલ હરિભાઈને તાત્કાલિક પ્રથમ સારવાર માટે વલસાડ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરત રિફર કરવામાં આવ્યા છે.
ગામના પટેલે આ ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગને કરીને લેખિત ફરિયાદ આપી છે અને દીપડાને પકડવા માટે પીંજરું ગોઠવવાની માંગ કરી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને લોકો વન્યજીવોના વધતા આક્રમક વર્તન અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.











