વ્યારા: કેનેરા બેંક વ્યારા શાખા સામે લોન કૌભાંડની ફરિયાદમાં વજલીબેન ગામીતે ગંભીર આરોપ લગાવ્યા છે. અભણ હોવાને કારણે માત્ર અંગૂઠાનું નિશાન કરતી વજલીબેને આરોપ મૂક્યો છે કે લોનના દસ્તાવેજોમાં તેમની સહી દર્શાવવામાં આવી છે, જે તેઓ કરી જ શકે નહીં.
સૌથી વધુ ચોંકાવનારો આરોપ એ છે કે વર્ષ 2001માં અવસાન પામેલી તેમની દાદીના અંગૂઠાના નિશાનનો પણ લોન પ્રક્રિયા દરમિયાન ઉપયોગ કરવામાં આવ્યો હતો. વજલીબેને પ્રશ્ન ઉઠાવ્યો છે કે, “જ્યારે મહિલા માત્ર અંગૂઠાનું નિશાન કરે છે, ત્યારે લોનના દસ્તાવેજોમાં સહી કોણે કરી? અને ૨૫ વર્ષ પહેલાં અવસાન પામેલી દાદીનો અંગૂઠો દસ્તાવેજોમાં કેવી રીતે આવ્યો?”
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે બેંક અધિકારીઓ અને મધ્યસ્થીઓની મિલીભગતથી આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં મૃત વ્યક્તિના અંગૂઠાના નિશાનનો દુરુપયોગ કરીને લોન મંજૂર કરવામાં આવી હતી. સ્થાનિક સ્તરે આ ફરિયાદને લઈને ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. વજલીબેન અને તેમના પરિવારે સંબંધિત તપાસ એજન્સીઓને આ મામલાની ઊંડી તપાસ કરી, દોષીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટના પંચાયતી રાજ વ્યવસ્થા અને બેંકિંગ સેક્ટરમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને જાળસાજીના મુદ્દાને વધુ તીવ્ર બનાવી રહી છે. હાલમાં આ ફરિયાદ અંગે વ્યારા પોલીસ સ્ટેશન અને બેંક વ્યવસ્થાપન તરફથી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી.











