તાપી: હવામાન વિભાગ દ્વારા તાપી જિલ્લામાં ભારે થી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જ જિલ્લા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ચોમાસાની આ કટોકટીની સ્થિતિમાં માતા અને નવજાત બાળકની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આરોગ્ય વિભાગે પૂર્વસાવચેતીના ભાગરૂપે તાત્કાલિક ધોરણે આગોતરું આયોજન હાથ ધર્યું છે.
પૂર કે ભારે વરસાદ દરમિયાન રસ્તાઓ બંધ થવાની સ્થિતિમાં પ્રસુતિમાં કોઈ બાધા ન આવે તે માટે આરોગ્ય વિભાગની ટીમોએ ગ્રામ્ય વિસ્તારોમાં ઘર-ઘર જઈને સગર્ભા મહિલાઓની આરોગ્ય તપાસ કરી હતી. જે મહિલાઓની પ્રસૂતિની સંભવિત તારીખ ખૂબ જ નજીક હતી, તેવી 20થી વધુ સગર્ભા મહિલાઓને સમયસર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં શિફ્ટ કરવામાં આવી છે.
તંત્ર દ્વારા આ તમામ મહિલાઓને વાલોડ, વેલધા, ખેરવાડા, ગડત અને બોરદા સહિતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) તેમજ સબ-ડિવિઝનલ હોસ્પિટલ (SDH) ખાતે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવી છે. આ કેન્દ્રો પર તબીબી ટીમ અને જરૂરી તમામ દવાઓ તેમજ સેવાઓ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જિલ્લા આરોગ્ય તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં સમયસર તબીબી સારવાર પૂરી પાડી શકાય અને માતા તથા બાળકની સુરક્ષા જળવાઈ રહે.











