વલસાડ: માંકડબન જિલ્લા પંચાયત મતવિસ્તારના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી હિનાબેન નાનુભાઈ દિવાએ ગુંદિયા ગ્રામ પંચાયતમાં વહીવટ, વિકાસ કાર્યો અને નાણાકીય વ્યવહારોમાં થયેલી કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આરોપો સામે તાલુકા વિકાસ અધિકારી (TDO), જિલ્લા વિકાસ અધિકારી (DDO), એન્ટી કરપ્શન બ્યુરો (ACB) તથા વલસાડના પોલીસ અધિક્ષકને સ્પીડ પોસ્ટ દ્વારા વિગતવાર લેખિત ફરિયાદ કરી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ સ્પષ્ટ તપાસ કે કાર્યવાહી થઈ ન હોવાનું જણાવતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.
ફરિયાદમાં હિનાબેન દિવાએ આરોપ મૂક્યો છે કે સરપંચશ્રી સિવાયના અન્ય વ્યક્તિઓ દ્વારા સરપંચની ખોટી સહી કરીને ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવવામાં આવ્યો છે અને સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. વધુમાં વિવિધ વિકાસ કાર્યોમાં નિયમિત ટેન્ડર પ્રક્રિયાનું પાલન કર્યા વગર માત્ર 2 થી 3 ચોક્કસ કોન્ટ્રાક્ટરોને વારંવાર કામો આપવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.
ફરિયાદમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ગ્રામ પંચાયત દ્વારા વિવિધ વિભાગોમાં રજૂ કરેલા દસ્તાવેજો અને અહેવાલોની સત્યતા પર સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરીને ગુંદિયા ગ્રામ પંચાયતને મળેલા ત્રીજા ક્રમના પુરસ્કાર (રિવોર્ડ) માટે રજૂ કરાયેલા દસ્તાવેજો અને કામગીરીના અહેવાલોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જિલ્લા પંચાયત સભ્ય હિનાબેન નાનુભાઈ દિવાએ જણાવ્યું કે, “સરકારી નાણાં, વિકાસ કાર્યો અને પંચાયતી રાજ વ્યવસ્થાની પારદર્શિતા જળવાઈ રહે તે માટે સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસ અત્યંત જરૂરી છે.” ફરિયાદ કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી ન થવી ચિંતાજનક છે અને તેના કારણે ગ્રામજનોમાં અસંતોષ વધી રહ્યો છે.
સ્થાનિકોની માંગ છે કે સંબંધિત તમામ અધિકારીઓએ આ મામલાની તાત્કાલિક, નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ કરી સત્ય હકીકતો બહાર લાવે અને દોષિત જણાતા વ્યક્તિઓ સામે કાયદેસર કાર્યવાહી કરે. આ સમગ્ર બાબત અંગે વધુ તપાસ અને અપડેટ્સ માટે સંબંધિત વિભાગોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.











