ખેરગામ: ગૌરી આશ્રમશાળા વિવાદિત નિવૃત આચાર્ય ગોકુળ પટેલ, વર્તમાન આચાર્ય લતાબેન પટેલના ટ્રસ્ટીઓ સાથે વિવાદના કારણે યુદ્ધનો અખાડો બની રહ્યું છે. વિવાદની શરૂઆત 8 મે ના રોજ ગોકુળ પટેલ અને લતા પટેલ દ્વારા ટ્રસ્ટીઓની જાણ બહાર કેરી વેચી નાખતા થઇ હતી, જે બાબતે પ્રમુખ બિપીનભાઈ ગરાસિયા દ્વારા પોલિસ ફરિયાદ કરવામાં આવી હતી.
ત્યારબાદ બિપીનભાઈ ગરાસિયાએ ફરીથી ગોકુળ પટેલ પર ગરીબ બાળકોના લાભાર્થે વપરાતી સરકારી પાણીની ટાંકીની ચોરી અને સરકારી બોરમાંથી પાણીનું કનેકશન ગેરકાયદેસર રીતે કાપી નાખવાની ફરિયાદ સરપંચ અને આશ્રમશાળા અધિકારીને કરવામાં આવતા મામલો વધુ ગરમાયો હતો.12 વર્ષ કરતા વધુ સમયથી ચાલુ કનેકશન અચાનક કપાઈ જવાથી વયોવૃદ્વ ટ્રસ્ટીઓ મુશ્કેલીમાં મુકાય જતા તેમણે વિદ્યાર્થીઓના હિતમાં દરરોજ 2-3 વાર પાણીના ટેન્કરો મંગાવવાની નોબત આવી ગઈ છે. આ વિવાદોમાં ઉમેરો ત્યારે થયો જયારે ગત શનિવારે આચાર્ય લતાબેન પટેલ અને ગોકુળ પટેલે ટ્રસ્ટીઓની જાણ બહાર અને મંજૂરી વગર કેટલાક અજાણ્યા ઈસમોને બાળકોનું જમવાનું આપવા બોલાવી લેતા બિપીનભાઈ ગરાસિયાએ લતાબેન પાસે પોતાની જાણ બહાર અજાણ્યા ઈસમોને બોલાવી જમાડવા બદલ બાળકોની તબિયત બગડશે તો જવાબદાર કોણ રહેશે એવો ખુલાસો માંગતા આચાર્ય લતાબેન પટેલે પ્રમુખ બિપીનભાઈ સામે દાદાગીરી કરી હોવાના ગંભીર આક્ષેપ બિપીનભાઈએ કલેકટર સમક્ષ કર્યા છે. આ ઘટના બાદ નાટ્યત્મક ઢબે સોમવારે મોડી રાત્રે 19 જેટલા બાળકો અને 1 શિક્ષક ખેરગામ સરકારી હોસ્પિટલમા ઝાડા ઉલટીની ફરિયાદ સાથે ઓપીડીમા બતાવવા જાય છે અને આચાર્ય લતાબેન ફૂડ પોઇઝનનું કારણ ટેન્કરનું ખરાબ પાણી હોવાનું જણાવી રહ્યા છે જ્યારે સામા પક્ષે પ્રમુખ બિપીનભાઈ સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે આ ફૂડ પોઇઝનિંગ ગોકુળ પટેલ અને લતાબેન પટેલ દ્વારા અજાણ્યા ઈસમો પાસે કરાવડાવેલા ભોજનના લીધે થયેલ છે.
આ બાબતે પરિસ્થિતિનો તાગ મેળવવા મીડિયા દ્વારા તાલુકા આરોગ્ય અધિકારી ડો.પ્રજ્ઞેશ દેસાઈ અને સારવાર કરનાર સરકારી તબીબ ડો.કેતન પટેલ અને બાળરોગ નિષ્ણાંત ડો.અમિત પટેલને સવાલો પૂછતાં તેમણે જણાવ્યું હતું કે તમામ બાળકો અને શિક્ષક જયારે અમારી સમક્ષ આવ્યા ત્યારે સ્વસ્થ હતા અને આશરે 2-3 કલાક ઓબઝરવેશનમા રાખતા કોઈ ગંભીર તકલીફ નહીં જણાતા તમામને દવા આપીને મોકલી આપવામાં આવ્યા હતા. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ભાવેશ પટેલ દ્વારા વધુ તપાસ માટે પાણીના સેમ્પલો લેવામાં આવ્યા છે.આ ઘટનાથી આસપાસના પંથકમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે અને ટ્રસ્ટી બિપીનભાઈ ગરાસીયાએ વેધક સવાલો જેવા કે ગોકુળ પટેલને ટ્રસ્ટીઓની મંજૂરી વગર કેરીઓ તોડવાની છૂટ કોણે આપી ? 12 કરતા વધુ વર્ષ કરતા વધુ સમયથી ગરીબ બાળકોના લાભાર્થે વપરાતી પાણીની ટાંકી સરપંચ કે પાણીપુરવઠા વિભાગની મંજૂરી વગર લઇ જવાની છૂટ અને સરકારી બોરમાંથી આશ્રમશાળાનું પાણીનું કનેકશન કાપવાની ગોકુળ પટેલને કોણે આપી?પોતાની કરતુતો છુપાવવા ગોકુળ પટેલ અને લતાબેન પટેલ બાળકોને હાથો બનાવી રહ્યા છે તે કેટલું વ્યાજબી ? આરોગ્ય વિભાગના અધિકારીઓ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે ક્લોરીનેટેડ પાણી આપવાનો બાળકો સમક્ષ પ્રસ્તાવ મુકતા બાળકોએ નકારી કાઢ્યો હતો અને સ્વચ્છ પાણીનો બોર માંગ્યો છે અને લાચાર બનેલા વયોવૃદ્વ ટ્રસ્ટીઓએ જ્યાં સુધી પાણીની વ્યવસ્થા નહીં થાય ત્યાંસુધી શાળા બંધ કરવાનો આદેશ કર્યો છે પરંતુ લતાબેન પટેલ અને અન્ય શિક્ષિકા મનસ્વી રીતે બાળકોને આંદોલન કરવા ઉશ્કેરી રહ્યા હોવાની વાત પણ બિપીનભાઈએ મીડિયા સામે કરી છે.
ઉપરાંત તેમણે આશ્રમશાળા અધિકારી સમક્ષ આચાર્ય લતાબેન પટેલને વારંવાર બેજવાબદાર વર્તન અને ટ્રસ્ટી મંડળના કાર્યોમાં ગેરકાયદેસર હસ્તક્ષેપ બદલ તેમજ અજાણ્યા ઈસમોને બોલાવી બિનઆરોગ્યપ્રદ ભોજન જમાડી બાળકોની જિંદગી જોખમમા મુકવા બદલ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી બદલી કરી નાખવાની માંગ કરી છે. છેલ્લા એક મહિનાથી વિવાદોમા ચમકી રહેલા ગોકુળ પટેલની આ ઘટનામાં સંડોવણી અંગે તટસ્થ તપાસ કરવા અનેક લોકો આક્રોશ સાથે માંગ કરી રહ્યા છે.ભૂતકાળમા પણ આ ગોકુળ પટેલ સામે ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂકેલ હતા. જોકે નોંધનીય બાબત છે કે અદાલતમા તપાસ અધિકારીઓ આ આરોપો સાબિત કરવામાં નિષ્ફ્ળ રહ્યા હોવાથી ગોકુળ પટેલને ક્લિનચીટ મળી ચૂકેલ છે. આ બાજુ જોવાનું એ રહ્યું કે આટલી ગંભીર ઘટનાઓ ઘટી રહી હોવા છતાં આદિજાતિ વિભાગ કેમ આ બાબતે મૌન ધારણ કરીને બેઠો છે અને કેમ કોઈ કાર્યવાહી નથી કરી રહ્યો તે બાબત લોકજીભે ચર્ચાનું કેન્દ્ર બની છે. એકબાજુ વિદ્યાર્થીઓ પીવાનું સ્વચ્છ પાણી માંગી રહ્યા છે ત્યારે મૌન ધારણ કરીને બેઠેલા સરપંચ અને પાણી પુરવઠા અધિકારીઓ સહિતનું સરકારી તંત્ર ગરીબ બાળકો માટે પાણીની વ્યવસ્થા કરશૅ કે કેમ એ જોવું રહ્યું. જો કે આ બાબતે ગોકુળ પટેલને મીડિયા દ્વારા પૂછવામાં આવતા તેણે તમામ આક્ષેપોનું ખંડન કર્યું છે.











