વલસાડ : આજરોજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ પહેલાં ભારતીય જનતા યુવા મોરચા, વલસાડ જિલ્લા દ્વારા તા. 18 જૂનથી 21 જૂન દરમિયાન સમગ્ર જિલ્લામાં “શિક્ષણ જાગૃતિ અને પ્રવેશ અભિયાન” યોજવામાં આવશે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે અભિયાનનો મુખ્ય હેતુ સમાજના છેવાડાના ગરીબ, મધ્યમ વર્ગ તેમજ વંચિત પરિવારો સુધી પહોંચી વાલીઓનું કાઉન્સેલિંગ કરીને બાળકોના જીવનમાં શિક્ષણનું મહત્વ સમજાવવાનો અને શિક્ષણથી વંચિત બાળકોને શાળા સાથે જોડવાનો છે. યુવા મોરચાના કાર્યકર્તાઓ ગામડાં, શહેરી વિસ્તારો તેમજ સ્થળાંતરિત (માઇગ્રન્ટ) ખેત મજૂર પરિવારો સુધી પહોંચીને વાલીઓ સાથે સંવાદ કરશે અને બાળકોના શિક્ષણ અંગે જાગૃતિ લાવશે. માત્ર શાળામાં પ્રવેશ અપાવવા પૂરતું નહીં, પરંતુ બાળકોનું શિક્ષણ નિયમિત રીતે ચાલુ રહે તે માટે પણ સતત અનુસરણ કરવામાં આવશે. આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોનું શિક્ષણ નાણાકીય કારણોસર અટકી ન જાય તે માટે જરૂરી માર્ગદર્શન, સહયોગ અને સહાય ઉપલબ્ધ કરાવવા પણ યુવા મોરચા પ્રતિબદ્ધ રહેશે. સ્થળાંતરિત પરિવારોના બાળકો પણ શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડાય અને તેમને સમાન તકો મળે તે માટે વિશેષ પ્રયાસ કરવામાં આવશે.
ભારતીય જનતા યુવા મોરચા, વલસાડ જિલ્લાના આગેવાનોએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે. જિલ્લાના કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેક બાળકને શિક્ષણનો સમાન અવસર મળે તે માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.” આ અભિયાન અંતર્ગત જિલ્લાના તમામ તાલુકાઓમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ઘર-ઘર સંપર્ક કરીને શિક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવશે અને વધુમાં વધુ બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા માટે પ્રયાસ કરશે. “શિક્ષિત બાળક-સમૃદ્ધ સમાજ” ના સંકલ્પ સાથે યુવા મોરચા વલસાડ જિલ્લાએ આ અભિયાન શરૂ કર્યું છે, જે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સામાજિક પહેલ સાબિત થશે.











