ગાંધીનગર: ગુજરાતની સરકારી તથા ગ્રાન્ટેડ કોલેજોમાં કાર્યરત મુલાકાતી વ્યાખ્યાતાઓ (વિઝિટિંગ લેક્ચરર્સ)ના નિમ્ન વેતન અને અન્ય સમસ્યાઓને લઈને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને માંગ કરી છે.
પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા મુલાકાતી અધ્યાપકોને અત્યંત ઓછા વેતન પર કામ કરવું પડે છે. હાલમાં તેઓને એક કલાકના 250 લેખે મહત્તમ 15,000 માસિક વેતન આપવામાં આવે છે, જે વર્તમાન મોંઘવારી અને જીવનનિર્વાહના વધતા ખર્ચને જોતાં અત્યંત અપૂર્ત છે.
મુખ્ય માંગણીઓ: મુલાકાતી વ્યાખ્યાતાઓનું માસિક વેતન વધારીને 40,000 થી 50,000 કરવામાં આવે, તેમની સેવાને સત્તાવાર શિક્ષણ અનુભવ તરીકે માન્યતા આપવામાં આવે, ભવિષ્યની ભરતી પ્રક્રિયાઓમાં આ અનુભવને યોગ્ય વેઇટેજ આપવામાં આવે. સમસ્ત આદિવાસી સમાજ ગુજરાતના પ્રમુખ ડો. પ્રદીપભાઈ ગરાસિયાએ આ પત્ર લખીને આ મુદ્દે ધ્યાન આપવાની અપીલ કરી છે. તેમણે ઉલ્લેખ કર્યો કે મોટાભાગના મુલાકાતી અધ્યાપકો અનુસ્નાતક, NET, GSET અને Ph.D. જેવી ઉચ્ચ લાયકાત ધરાવે છે અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં ગુણવત્તાયુક્ત સેવા આપી રહ્યા છે. યુથ લીડર ડો. નિરવ ભુલાભાઈ પટેલએ જણાવ્યું કે, “શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા હજારો યુવા અધ્યાપકોની આ વાજબી માંગને મુખ્યમંત્રી ભુપેન્દ્રદાદા હકારાત્મક રીતે ધ્યાનમાં લઈ જરૂરી કાર્યવાહી કરશે તેવી અપેક્ષા છે.”
વર્તમાન વિસંગતતા
પત્રમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોમાં કાર્યરત અન્ય કરારી કર્મચારીઓ, જ્ઞાન સહાયકો અને શિક્ષણ સહાયકોને માસિક રૂ. ૨૫,૦૦૦ કે તેથી વધુ વેતન મળતું હોવા છતાં મુલાકાતી વ્યાખ્યાતાઓને આટલું ઓછું વેતન આપવામાં આવતું હોવાની વિસંગતતા તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. આ મુદ્દો હાલમાં શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત યુવા અધ્યાપકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આદિવાસી સમાજે સરકાર પાસે આ માંગણીઓને વહેલી તકે પૂર્ણ કરવાની અપીલ કરી છે.











