ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનાના વાંકલ ગામમાં આવેલી એક આંબાવાડીમાંથી થોડા દિવસો પહેલાં મળી આવેલા મહિલાના રહસ્યમય મૃતદેહ મામલે વલસાડ પોલીસે પર્દાફાશ કરતાં કહ્યું છે કે આ ઘટના એક ઘાતકી ‘બ્લાઇન્ડ મર્ડર છે.
Decision News ને મળેલી વિગતો મુજબ ધરમપુરના વાંકલગામે આવેલા હિતેન્દ્રસિંહ પરમાર નામના વ્યક્તિના આંબાના બગીચામાંથી ગત 2 જૂન 2025ના રોજ એક અજાણ્યા મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો તેનો ખુલાશો જોઈએ તો સ્થાનિક રહેવાસી તુલસીબેન પટેલ છે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે તુલસીબેનનું ગળું દબાવીને ટૂંપો આપી હત્યા કરવામાં આવી હતી. આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે વલસાડ LCB, SOG અને ગ્રામ્ય પોલીસની ટીમોએ સંયુક્ત મોરચો સંભાળ્યો હતો. પોલીસ તપાસમાં કડી મળી કે આ આંબાવાડી ગૌતમ સોલંકી નામના શખ્સને ભાડે રાખવા માટે આપવામાં આવી હતી. કેરીની ચાલુ સીઝન હોવાથી બગીયાની સુરક્ષા અને દેખરેખ ગૌતમ અને તેનો સગીર વયનો ભત્રીજો રાખતા હતા. બગીચામાં પાકેલી કેરીઓ ચોરી છૂપીથી તોડવા માટે આસપાસના લોકો અવારનવાર વાડીમાં ઘૂસી જતા હોવાથી દેખરેખ રાખતો સગીર ભત્રીજો અવારનવાર લોકો સાથે કડક વલણ અપનાવી ઝઘડો કરતો હતો.
ઘટનાના દિવસે મૃતક તુલસીબેન પટેલ પણ બગીચામાં કેરી તોડવા માટે પહોંચ્યા હતા. આ સમયે ત્યાં હાજર સગીર આરોપીએ તેમને જોઈ લીધા હતા અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને વિવાદ થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે સગીર વયનો છોકરો એકદમ આવેશમાં આવી ગયો અને તેણે રાક્ષસી વલણ અપનાવી તુલસીબેનનું ગળું દબાવી તેમને મોતને ઘાટ ઉતારી દીધા. હત્યા કર્યા બાદ પાપી સગીર કોઈને શંકા ન જાય તે રીતે ચૂપચાપ સ્થળ પરથી સરકી ગયો હતો. પણ વલસાડ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને શંકાસ્પદોની આકરી પૂછપરછ કરતાં સગીર આરોપીને દબોચી લીધો છે. તુલસીબેનના મર્ડરએ વલસાડ પંથકમાં ભારે અરેરાટી જોવા મળી રહી છે.











