ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના મોટી કોરવળ હિલસ્ટેશન અને પીપરોળ વિસ્તારના દુર્ગમ ડુંગરાળ જંગલ વિસ્તારોમાં પર્યાવરણ સંરક્ષણની એક અનોખી પહેલ કરવામાં આવી છે. લોકમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ-ખોબા, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત અને વન વિભાગના સહયોગથી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન મારફતે ૫૩ હજારથી વધુ સીડ બોલનું ડ્રોપિંગ કરવામાં આવ્યું છે.
દર વર્ષે લોકમંગલ ચેરિટેબલ ટ્રસ્ટ હજારો વધુ વૃક્ષોના રોપાઓ તૈયાર કરીને વિવિધ સ્થળોએ વાવે છે. આ વર્ષે વધુ અસરકારક અને વ્યાપક પરિણામ મેળવવા માટે સંસ્થાના કાર્યકર્તાઓએ હજારો સીડ બોલ તૈયાર કર્યા હતા. આ સીડ બોલમાં સ્થાનિક અને લુપ્તપ્રાય વૃક્ષ પ્રજાતિઓ જેમ કે ખાખરો, આંબલી, મહુડો, ગરમાળો સહિતના બીજનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સીડ બોલને ચીકણી માટી, છાણિયા ખાતર અને કોલસાના આવરણમાં સુરક્ષિત રીતે તૈયાર કરવામાં આવ્યા હતા, જેથી બીજને પક્ષીઓ અને અન્ય પરિબળોથી રક્ષણ મળી શકે અને વરસાદ સાથે તેમનું અંકુરણ સારી રીતે થાય. આ પહેલનો ઉદ્દેશ એવા જંગલ વિસ્તારોમાં વનસંપદા વધારવાનો છે જ્યાં માનવીય પહોંચ મુશ્કેલ છે. ડ્રોનના માધ્યમથી સીડ બોલનું વિતરણ કરવાથી સમય અને મજૂરીની બચત થઈ છે અને વધુ વ્યાપક વિસ્તારને આવરી લેવામાં સફળતા મળી છે.
લોકમંગલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આવી પહેલોને વધુ વેગ આપવા માટે સરકાર અને સમાજના સહયોગની જરૂર છે. વન વિભાગે પણ આ પર્યાવરણીય પ્રવૃત્તિને સકારાત્મક પગલું ગણાવ્યું છે. આ પ્રયાસ ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારોમાં હરિયાળી વધારવા અને જીવાદોરી જાળવવા તરફનું મહત્વનું યોગદાન સાબિત થવાની અપેક્ષા છે.











