નવસારી: આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો. નિરવ ભુલાભાઇ પટેલે જિલ્લા પોલિસ અધિક્ષક રાહુલ પટેલ સમક્ષ ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે નિયમિત “લોક દરબાર” યોજવાની માંગ કરી છે. ડો. નિરવ પટેલે જણાવ્યું કે, પોલીસ અને સામાન્ય નાગરિક વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે લોક દરબાર અત્યંત અસરકારક માધ્યમ છે.
ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં ઘણા લોકો પોલીસ સ્ટેશન સુધી પોતાની ફરિયાદ લઈ જવામાં સંકોચ અનુભવે છે. આવા સમયે લોક દરબાર લોકો માટે ખુલ્લું મંચ બની રહે છે. તેમણે ઉમેર્યું કે, ખેરગામ તાલુકામાં જમીન વિવાદ, પારિવારિક ઝઘડા, મહિલાઓ સામેના અત્યાચાર, દારૂ-જુગાર, સાયબર ફ્રોડ જેવી સમસ્યાઓના નિવારણ માટે નિયમિત લોક દરબારની જરૂર છે. આ ઉપરાંત સ્થાનિક પોલીસના અમુક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા ખોટા કામો સામે અવાજ ઉઠાવનાર નાગરિકોને આરોપી બનાવી હેરાન કરવામાં આવતા હોવાની પણ ફરિયાદ કરી છે.
DECISION NEWS ને મળેલી જાણકારી અનુસાર મુખ્ય માંગણીઓ:
• ખેરગામ તાલુકામાં નિયમિત અને સમયબદ્ધ લોક દરબારનું આયોજન
• તાલુકાના તમામ નાગરિકોને આગોતરી જાણ કરવી
• રજૂઆતોનો સમયસર અને નિષ્પક્ષ નિકાલ
• પોલીસ તંત્રમાં પારદર્શિતા અને જવાબદારી વધારવી
ડો. નિરવ ભુલાભાઇ પટેલે આશા વ્યક્ત કરી છે કે જિલ્લા પોલિસ અધિક્ષક રાહુલ પટેલ સામાન્ય નાગરિકોના હિતમાં યોગ્ય અને ત્વરિત નિર્ણય લેશે, જેથી પોલીસ અને લોકો વચ્ચે વિશ્વાસનો સેતુ મજબૂત બને અને “જનમૈત્રી પોલીસ”ની વાસ્તવિક છબી ઉભી થશે.











