વલસાડ: તીઘરા ગામના વિકાસના કામો ચૂંટણી પહેલાં રાજકીય લાભ મેળવવા માટે શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ તમામ રસ્તાઓના કામ અટકાવી દેવામાં આવ્યા છે. આનાથી ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

ગામના સામાજિક આગેવાન મુકેશભાઈ ઠાકોરભાઈ પટેલે જણાવ્યું કે, વર્ષોથી બિસ્માર હાલતમાં પડેલા રસ્તાઓને લઈને તેઓએ આદિવાસી સમાજના આગેવાન ડો. નિરવ ભુલાભાઈ પટેલને રજૂઆત કરી હતી. ડો. પટેલે જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર સમક્ષ વિવિધ વિકાસ કામોની માંગણી કરતા મંજૂરી મળી હતી. ત્યારબાદ ચૂંટણી પહેલાં તમામ રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ જવાબદાર અધિકારીઓએ કામ અટકાવી દીધા છે. મુકેશભાઈ પટેલે વારંવાર ફોન કરીને પૂછપરછ કરતા અધિકારીઓએ જણાવ્યું કે, યુદ્ધને કારણે ડામર (બિટુમિન)ના ભાવ વધી ગયા છે, તેથી દિવાળી પછી જ કામ શરૂ થશે.

ગ્રામજનોએ આ વાતનો તીવ્ર વિરોધ કરતાં કહ્યું, “યુદ્ધ તો ફેબ્રુઆરીથી ચાલી રહ્યું છે, પરંતુ વિકાસ કામોની જાહેરાત તો તે પછી થઈ હતી. ચૂંટણી વખતે માત્ર લોલીપોપ આપવા માટે આવા કામો શરૂ કરાય છે અને પછી તંત્રને કોઈ શરમ નથી આવતી.” ગામલોકોએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું કે, આગામી ચોમાસામાં રસ્તાઓની બિસ્માર હાલતને કારણે તેઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. તેઓએ સંબંધિત અધિકારીઓ સમક્ષ તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ કરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here