કપરાડા: આજરોજ કપરાડા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જીતુભાઈ એચ. ચૌધરીએ આજે વિસ્તારના વિવિધ ગામોમાં ચાલી રહેલા મોટા ચેકડેમ અને વિયરના કામોનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પાણીની સમસ્યાના કાયમી ઉકેલ માટે હાથ ધરવામાં આવેલા આ વિકાસ કાર્યો વિસ્તારના લોકો અને ખેડૂતો માટે આશીર્વાદ સાબિત થશે તેમ ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું.
Decision News મળેલી જાણકારી મુજબ હાલમાં આ વિસ્તારમાં અંદાજે 28 થી 30 મોટા ચેકડેમ અને વિયરના કામો પ્રગતિ હેઠળ છે. વરસાદી મોસમ પહેલાં તમામ કામો પૂર્ણ કરવા માટે તંત્ર ઝડપી ગતિએ કામગીરી કરી રહ્યું છે. આ કામો પૂર્ણ થયા પછી વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં સંગ્રહ થશે, જેનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે અને વિસ્તારના કૂવા, બોરીંગ તેમજ અન્ય જળસ્ત્રોતોમાં પાણીની ઉપલબ્ધતા વધશે. ધારાસભ્યશ્રીએ ઉમેર્યું કે, શિયાળા અને ઉનાળાની ઋતુમાં પણ પાણી ઉપલબ્ધ રહેવાથી ખેડૂતોને સિંચાઈ માટે પર્યાપ્ત પાણી મળશે અને તેઓ વધુ સારી રીતે ખેતી કરી શકશે. આ ચેકડેમ અને વિયર જેવા જળસંચય પ્રોજેક્ટો માત્ર પાણી સંગ્રહ સુધી મર્યાદિત નથી, પરંતુ ગ્રામ્ય વિકાસ, કૃષિ વિકાસ અને આદિવાસી વિસ્તારના લોકોના જીવનસ્તરમાં સુધારો લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
નિરીક્ષણ દરમિયાન ધારાસભ્યશ્રીએ સંબંધિત અધિકારીઓને કામની ગુણવત્તા જાળવવા અને સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપી હતી. રાજ્ય સરકારની જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેલ્લા વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત સ્થળ મુલાકાતો અને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે તેમ જીતુભાઈ ચૌધરીએ કહ્યું.











