ઉમરપાડા: ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જ દક્ષિણ ગુજરાતના ઉમરપાડા વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરોમાં વિશેષ તૈયારીમાં લાગી જાય છે. વરસાદ પડવાની શરૂઆત થાય એ પહેલાં જ ખેતરની સફાઈ, ખેડાણ અને ડાંગરના ધરું માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવે છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ સ્થાનિક ખેડૂતો પ્રથમ ખેતરમાં એવી જગ્યા પસંદ કરે છે જ્યાં પાણી એકત્ર થઈ શકે. આ જગ્યાને સ્થાનિક ભાષામાં ‘રોયુ’ તરીકે ઓળખવામાં આવે છે. આ ‘રોયુ’માં સૂકા પાંદડા, કચરો અને છાણીયું ખાતરને સારી રીતે મિક્સ કરીને પાથરવામાં આવે છે. ત્યારબાદ આ મિશ્રણને થોડા દિવસ સુધી સુકાવા દેવામાં આવે છે અને પછી તેને બાળીને કુદરતી ખાતર તૈયાર કરવામાં આવે છે. આ ખાતરને જમીનમાં ફરીથી ખુદાઈ કરીને સારી રીતે મિક્સ કરવામાં આવે છે અને ત્યારબાદ મનપસંદ ડાંગરના બીજ વાવવામાં આવે છે.

આ પરંપરાગત પદ્ધતિ પાછળનો હેતુ
આશરે 25 દિવસમાં તૈયાર થતા ધરુંને સરળતાથી ઉખાડી શકાય, મૂળિયા સાથે જોડાયેલા રહે અને ખેતરમાં રોપણી કર્યા પછી ઝડપથી વિકાસ પામે તે માટે આ તૈયારી કરવામાં આવે છે. આથી પાકની શરૂઆત જ મજબૂત બને છે. હેમંત વસાવાએ જણાવ્યું કે, “આ પરંપરાગત રીતે કુદરતી ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા વધે છે અને ડાંગરનું ધરું મજબૂત બને છે.” આવી સ્થાનિક સમજ અને મહેનતને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો વર્ષોથી સારું ઉત્પાદન મેળવી રહ્યા છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here